‘ હેલ્પ મી’ લખીને લોકો પાસેથી પૈસા માંગતો હતો ગઠીયો
સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
યુવતીઓ અને મહિલાઓના ફેક એકાઉન્ટ બનાવી તેમને બદનામ કરતા સાયબર ગઠિયાઓથી મહિલાઓ પરેશાન થઇ ગઇ છે ત્યારે જ અમદાવાદમાં વધુ એક યુવતીનું ફેક એકાઉન્ટ બનાવી તેના પર ‘હેલ્પ મી’ લખીને પૈસા પડાવવામાં આવતા હતા. આ બાબતે યુવતીને જાણ થતાં તેણે સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ આદરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના પોશ વિસ્તારમાં રહેતી યુવતી ખાનગી લેબમાં કામ કરે છે અને લાંબા સમયથી ઇન્સ્ટાગ્રામમાં પોતાનું એકાઉન્ટ ઓપરેટ કરે છે. થોડા સમય પહેલાં જ તેને સ્વજનો દ્વારા જાણવા મળ્યું હતું કે તેના નામનું ફેક એકાઉન્ટ બનાવીને કોઇએ તેના પર યુવતીના જુદા જુદા વીડિયો અને ફોટા મૂક્યા છે. આટલું જ નહીં, ફેક એકાઉન્ટ બનાવનારે પોતાને રૂપિયાની ખૂબ જ જરૂર હોવાથી ‘હેલ્પ મી’ લખીને લોકો પાસેથી પૈસા માગવામાં આવી રહ્યા છે.
યુવતીએ તપાસ કરતાં કોઇ સાયબર ગઠિયાએ યુવતીનું ફેક એકાઉન્ટ બનાવી તેના પર હેલ્પ મી લખીને ક્યૂઆર સ્કેનર પણ મૂક્યું હતું. જેથી સીધા રૂપિયા ટ્રન્સફર કરી શકાય. આ બાબતે યુવતીએ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આ ફેક એકાઉન્ટ બનાવી તેને ઓપરેટ કરનારની તલાશ આદરી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ પૂર્વ વિસ્તારની એક યુવતીનું ફેક એકાઉન્ટ બનાવી તેના જ મોર્ફ કરેલા ફોટા વાયરલ કરવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાતાં પોલીસે આ ફોટા વાયરલ કરનાર ગઠિયાની તલાશ આદરી છે.