પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાની ધમકી આપી
પોલીસે યુવક સામે ફરિયાદ દાખલ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં માતાએ કરેલ અરજી મામલે પોલીસે શું તપાસ કરી તેની જાણકારી મેળવવા માટે પોલીસ સ્ટેશન પહોંચેલા યુવકે ઉશ્કેરાઈને મોટે મોટેથી વાતચીત કરી આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું.
યુવકે પોલીસ કર્મચારીને કહ્યું કે “મારો આખો પરિવાર એડવોકેટ છે અને હું હાઈકોર્ટમાં જઈશ, તમને બધાને સસ્પેન્ડ કરાવી દઈશ.” જેથી આ મામલે અંતે પોલીસે યુવક સામે ફરિયાદ દાખલ કરી છે. બનાવની વિગતવાર વાત કરીએ તો, શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ઘનરાજસિંહ દિપસિંહ પોલીસ સ્ટેશનમાં હાજર હતા. તે સમયે સવા છ વાગ્યાની આસપાસ એક અરજદાર આવ્યો હતો અને તેમની માતાએ એક અરજી કરી હતી. જે બાબતે આગળ શું કાર્યવાહી કરવામાં આવેલ છે તેની માહિતી માંગી હતી.
જેથી ઘનરાજસિંહે અરજી ટેબલ પર તપાસ કરીને આ અરજીની તપાસ કોણ કરે છે તેની જાણકારી મેળવી હતી. જેમાં પોલીસે જણાવ્યું કે “તેમની અરજીની તપાસ જાેધપુર ગામ પોલીસ ખાતે છે” તો આ સંદર્ભે અરજીની તપાસ કરતા પોલીસ કર્મચારીને મળવા માટે કહ્યું હતું. જેથી યુવક એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને મોટે મોટેથી વાતચીત કરવા લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે, યુવકની હરકતને લઈને ડી સ્ટાફ પીએસઆઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. આ દરમિયાન યુવકે હાજર સ્ટાફને કહ્યું હતું કે “તમે અમારી અરજીની તપાસ બરાબર કરતા નથી અને સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા નથી.” જોકે ઘનરાજસિંહે આ બાબતે તપાસ કરનાર અધિકારીને મળવાનું કહેતા જ યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે “મારો આખો પરિવાર એડવોકેટ છે અને હું હાઈકોર્ટમાં જઈશ, તમને બધાને સસ્પેન્ડ કરાવી દઈશ.” આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.