મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો
મહારાષ્ટ્રની આજની રાજકીય સ્થિતિ માટે ઉદ્ધવ ઠાકરે જવાબદાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની જોરદાર ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે બધાએ ઉદ્ધવ ઠાકરેના કારણે શિવસેના છોડી. જેઓ શિવસેના છોડીને ગયા તે ગદ્દાર નથી, અસલી ગદ્દાર ઉદ્ધવ ઠાકરે છે. મહારાષ્ટ્રની આજની રાજકીય સ્થિતિ માટે ઉદ્ધવ ઠાકરે જવાબદાર છે. આ પહેલા પણ રાજ ઠાકરે ઘણા અવસરોએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધી ચૂક્યા છે. જ્યારે શિવસેના યુબીટી તરફથી રાજ ઠાકરેને નિશાન બનાવવામાં આવ્યા છે.
થોડા દિવસો પહેલા જ શિવસેના UBT સાંસદ સંજય રાઉતે કહ્યું હતું, “રાજ ઠાકરેએ એવું કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસના આગામી મુખ્યમંત્રી બનવા સાથે મહાયુતિ સરકાર સત્તામાં પાછી ફરશે ? શું ED , CBI જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓનું કોઈ દબાણ છે?” સંજય રાઉતે મહાયુતિની વાપસી અંગે રાજ ઠાકરેના વિશ્વાસની મજાક ઉડાવતા ભવિષ્યવાણી કરી કે ભાજપ ૫૦ બેઠકો પણ મેળવવામાં નિષ્ફળ જઈ શકે છે, જ્યારે MNS ને ૧૫૦ બેઠકો મળી શકે છે. તેમણે કહ્યું કે જો ભાજપ નવેમ્બર પછી નવી સરકાર બનાવવા માંગે છે અથવા તેનો ભાગ બનવા માંગે છે, તો તેણે તેની વ્યૂહરચના પર પુનર્વિચાર કરવો પડશે.
રાઉતે મનસે અને ભાજપ બંને પર કટાક્ષ કરતા કહ્યું, “તો આવા કિસ્સામાં રાજ ઠાકરે મુખ્યમંત્રી બનવા જોઈએ. અમે છેલ્લા ૨૫ વર્ષોથી રાજ્યની રાજનીતિમાં આ મજાક જોઈ રહ્યા છીએ. આ હાસ્યાસ્પદ છે.” રાજ ઠાકરેની ટીકા કરતા, રાઉતે પૂછ્યું કે મનસે પ્રમુખનો વિચાર કેવી રીતે બદલાયો છે, જ્યારે તેમણે પહેલા કહ્યું હતું કે ફડણવીસ કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની મદદ કરવી એ આ રાજ્યના લોકોનું અપમાન છે. તેમણે એટલે સુધી કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાહને મહારાષ્ટ્રમાં પગ મૂકવાની મંજૂરી નહીં આપવી જોઈએ કારણ કે તેઓ મરાઠીઓના દુશ્મન છે.
મહારાષ્ટ્રમાં ‘બટેંગે તો કટેંગે’ની રાજનીતિ જોર પકડી રહી છે. UP ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવેલો આ સ્લોગન હવે મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ લોકપ્રિય થઈ રહ્યો છે. ભાજપના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ સૂત્રને સમર્થન આપ્યું છે, જેના પર હવે શિવસેના યુબીટી ચીફ ઉદ્ધવ ઠાકરેએ વળતો પ્રહાર કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો તમે મહારાષ્ટ્રમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરશો તો અમે ચોક્કસ ભાગલા પાડીશું. હવે BJP નેતા કિરીટ સૌમૈયાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.