ખનીજ ચોરી કરનારને પેનલ્ટી ફટકારવામાં આવી
ખાણ ખનીજ વિભાગની તવાઈથી ખનીજ ચોરોમાં ફફટાડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગરમાં ખનીજ વિભાગે ખનીજ ચોરી કરનારને પેનલ્ટી ફટકારી છે. ખનીજ ચોરી કરનારને ૧૩.૫૧ લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી છે. ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ૧૩ શખ્સો સામે ફરિયાદ થઈ હતી. એક મહિના અગાઉ ગારિયાધારના ગુજરડામાં ખાણ અને ખનીજ વિભાગે રેડ પાડી હતી. બોટાદ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા આ મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. ખાણ અને ખનીજ વિભાગે પોલીસ સ્ટેશનમાં પણ આ અંગે ફરિયાદ નોંધાવી છે.
ભાવનગર જિલ્લાના ફરિયાદકા ગામની સીમમાં ગેરકાયદે ધમધમતા ખનીજ ચોરીના અડ્ડાઓ પર ખાણ-ખનીજ વિભાગે કામગીરી હાથ ધરી હતી. ફરિયાદકાથી ગેરકાયદેસર માટી ખોદકામ વાળા વિસ્તારમાંથી ૨ ખાલી ટ્રકોને જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર તાલુકામાં ગેરકાયદેસર માટી ખનીજ ખોદકામ પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ અન્વયે ભૂસ્તરશાસ્ત્રી કચેરી ભાવનગરની તપાસ ટીમ દ્વારા ફરિયાદકા સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગેરકાયદેસર માટી ખોદકામ વાળા વિસ્તારમાં ૨ ટ્રકો ખાલી હાલતમાં જાેવા મળી હતી.
બંને ટ્રકોને જપ્ત કરી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાણ-ખનીજ વિભાગે કામગીરી હાથ ધરી અલગ અલગ ટીમો સાથે ખનીજચોરો પર ત્રાટકી હતી, ત્યારે ખાણ ખનીજ વિભાગની તવાઈથી ખનીજ ચોરોમાં ફફટાડ ફેલાયો છે.