ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસી ફરી એકવાર આવી શકે છે ભારત
ખેલાડીઓની ફેન ફોલોઈંગ ભારતમાં ખૂબ જ મોટી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આખી દુનિયા ફૂટબોલની દીવાનગી છે. ભારતમાં પણ કરોડો લોકો આ રમતને પસંદ કરે છે. આ જ કારણ છે કે જ્યારે પણ કોઈ મોટો ફૂટબોલ સ્ટાર ફૂટબોલ મેચ રમવા માટે ભારત આવે છે ત્યારે સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ જાય છે. એમાં કોઈ શંકા નથી કે લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અત્યારે ફૂટબોલ જગતના ૨ સૌથી મોટા સ્ટાર છે. ભારતમાં બંને ખેલાડીઓની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. રોનાલ્ડો હજુ ભારત આવ્યો નથી પરંતુ લિયોનેલ મેસી એક વખત ભારતની મુલાકાતે આવ્યો છે. દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે લિયોનેલ મેસી ફરી એકવાર ભારત આવવાનો છે.
અગાઉ લિયોનેલ મેસી ૨૦૧૧માં કોલકાતામાં ઈન્ટરનેશનલ મેચ રમવા આવ્યો હતો. અહીં તેની ટીમ આજેર્ન્ટિનાએ વેનેઝુએલા સામે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આજેર્ન્ટિનાની ટીમ આ મેચ ૧-૦થી જીતવામાં સફળ રહી હતી. જ્યારે મેસી આ મેચ માટે ભારત આવ્યો ત્યારે દેશના ખૂણે-ખૂણેથી ફૂટબોલ ચાહકો તેમના સ્ટાર ખેલાડીની એક ઝલક મેળવવા કોલકાતા પહોંચ્યા હતા.
લાખોની સંખ્યામાં ચાહકોની ભીડને સંભાળવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હવે ફરી એકવાર આ જ દ્રશ્ય જોવા મળવાનું છે. હા, લિયોનેલ મેસી ફરી એકવાર ભારત આવી રહ્યો છે. કેરળ સરકારે આ માહિતી આપી છે. કેરળના રમતગમત મંત્રી વી અબ્દુરહીમાને બુધવારે ખુલાસો કર્યો હતો કે લિજેન્ડ લિયોનેલ મેસી સહિત આજેર્ન્ટિનાની ફૂટબોલ ટીમ આવતા વર્ષે આંતરરાષ્ટ્રીય મેચ માટે રાજ્યની મુલાકાત લેશે. એક પત્રકાર પરિષદને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે આ મેચ રાજ્ય સરકારની સંપૂર્ણ દેખરેખ હેઠળ યોજવામાં આવશે. તેમણે ઐતિહાસિક પ્રસંગનું આયોજન કરવાની કેરળની ક્ષમતામાં પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
લિયોનેલ મેસીની ટીમ આજેર્ન્ટિના હાલમાં વર્લ્ડ ચેમ્પિયન છે. વર્ષ ૨૦૨૨માં કતારમાં આયોજિત ફિફા વર્લ્ડ કપમાં આજેર્ન્ટિનાએ ફ્રાંસને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. આ સાથે જ મેસ્સીનું સૌથી મોટું સપનું પૂરું થયું. હવે આ વર્લ્ડ ચેમ્પિયન ટીમ ભારતમાં જોવા મળવાની છે. લાંબા સમયથી કેરળ સરકાર મેસીને આમંત્રિત કરવાની યોજના બનાવી રહી હતી જે હવે સાચી પડતી દેખાઈ રહી છે.