CWC ની બેઠક પેહલા લગાવેલા બેનરોમાં ભારતના નકશાને વિકૃત રૂપે દર્શાવતા રાજનીતિમાં ગરમાવો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકના બેલગાવીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠક પહેલા નેતાઓના સ્વાગત માટે પોસ્ટર અને બેનરો લગાવવામાં આવ્યા હતા. જેના કારણે હવે વિવાદ છેડાઈ ગયો છે. આરોપ છે કે, પાર્ટીના કાર્યકરોએ બેનરો અને ફ્લેક્સમાં ભારતના નકશાને વિકૃત રૂપે રજૂ કર્યો છે. બેલાગવી શહેરના પ્રવેશદ્વાર પર લગાવવામાં આવેલા આ બેનરોમાં છપાયેલા ભારતના નકશામાંથી પાકિસ્તાનના કબજા વાળું કાશ્મીર (POK) અને અક્સાઈ ચીનના વિસ્તારોને ગાયબ કરી દેવામાં આવ્યા છે. આ મામલે હવે ભાજપે પલટવાર કર્યો છે અને આકરા પ્રહારો કરીને કોંગ્રેસને નવી મુસ્લિમ લીગ ગણાવી દીધી છે.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટી આ વર્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનની શતાબ્દી તરીકે ઉજવણી કરી રહી છે, જેની સ્થાપના ૧૯૨૪માં થઈ હતી. આ કાર્યક્રમમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ હાજરી આપશે. ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર ભારતના નકશાને વિકૃત કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય સંજય પાટીલે કહ્યું કે, આ કોંગ્રેસની વાસ્તવિક માનસિકતા દર્શાવે છે. આ જ કારણોસર કોંગ્રેસે કલમ ૩૭૦ હટાવવાનું સમર્થન નથી કર્યું.
બીજી તરફ સ્થાનિક ભાજપના કોર્પોરેશન કાઉન્સિલર શ્રેયા નાકડીએ આ અંગે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, ભારતનો તાજ ગાયબ છે. હવે આ મહાત્મા ગાંધીનું ભારત નથી પણ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનું ભારત છે. ભાજપના નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા કહ્યું કે, કોંગ્રેસ હવે નવી મુસ્લિમ લીગ બની ગઈ છે. તે ભારતને ફરીથી તોડવા માંગે છે. કોંગ્રેસે આ મામલે અંતર જાળવી રાખતા કહ્યું કે, આ કોંગ્રેસના સત્તાવાર બેનરો નથી. કોંગ્રેસના MLC નાગરાજ યાદવે કહ્યું કે, આ કોંગ્રેસના સત્તાવાર બેનર નથી, આ કેટલાક અનુયાયીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. જો કેટલાક શુભેચ્છકો અથવા અનુયાયીઓ નેતાઓને આવકારવા માટે બેનરો લગાવે છે, તો તેઓ સરકારની સલાહ નથી લેતા.