Last Updated on by Sampurna Samachar
અદાણીની કંપનીઓમાં નવું રોકાણ નહીં કરવા ફ્રાન્સની કંપનીની જાહેરાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ફ્રાન્સની મલ્ટીનેશનલ કંપની ટોટલ એનર્જીએ પણ અદાણી ગ્રૂપ સાથે છેડો ફાડવાની તૈયારી કરી છે. અમેરિકામાં અદાણી ગ્રૂપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ગૌતમ અદાણી સહિત આઠ અધિકારીઓ પર રૂ. ૨૨૦૦ કરોડની લાંચ અને છેતરપિંડીના આરોપો મૂકાયા બાદ ટોટલ એનર્જીએ મહત્ત્વનો ર્નિણય લેતાં ભવિષ્યમાં અદાણી ગ્રૂપની કંપનીઓમાં કોઈપણ પ્રકારનું રોકાણ ન કરવાની જાહેરાત કરી છે.
ટોટલ એનર્જીએ નિવેદનમાં જણાવ્યું છે કે, ‘અમેરિકામાં લાંચ મામલે અમે ઝીરો-ટોલેરન્સ સ્ટેન્ડને જાળવી રાખીએ છીએ. એટલું જ નહીં, અમારી કંપનીએ અદાણી ગ્રૂપની કોઈપણ કંપનીમાં નવું રોકાણ ન કરવાનો ર્નિણય લીધો છે. જ્યાં સુધી અદાણી ગ્રૂપ વિરૂદ્ધ લગાવાયેલા આરોપોનું સ્પષ્ટ ચિત્ર રજૂ ન થાય ત્યાં સુધી ટોટલ એનર્જી અદાણી ગ્રૂપની કંપનીઓમાં નવું રોકાણ કરશે નહીં.’
ટોટલ એનર્જીએ જણાવ્યું હતું કે, ‘અમે અદાણી ગ્રૂપની કથિત ગેરરીતિ અને લાંચ-છેતરપિંડી સહિત તમામ બાબતોથી અજાણ છીએ. આ મામલે કોઈપણ અધિકારી સાથે તેણે કોઈ પ્રકારનો સંપર્ક કર્યો નથી.’
નોંધનીય છે, ટોટલ એનર્જી અદાણી ગ્રીન એનર્જીમાં ૧૯.૭૫ ટકા હિસ્સો ધરાવે છે અને રિન્યુએબલ એનર્જી એસેટ્સનું મેનેજમેન્ટ કરનારા ત્રણ જાેઈન્ટ વેન્ચર્સમાં ૫૦ ટકા હિસ્સો ધરાવે છે.
ફ્રાન્સની કંપનીએ આકરા નીતિ-નિયમોનું પાલન કર્યા બાદ અદાણી ગ્રીન એનર્જી અને જોઈન્ટ વેન્ચર્સમાં રોકાણ કર્યુ હતું. આ રોકાણ દરમિયાન ટોટલ એનર્જીને અદાણી જૂથના કોઈ જ કથિત ભ્રષ્ટાચાર અને લાંચ મામલે જાણકારી ન હતી એવો દાવો કરાયો છે. ફ્રેન્ચ કંપનીની આ જાહેરાતથી અદાણી ગ્રૂપને મોટો ઝટકો લાગ્યો છે. અદાણી ગ્રૂપ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ગ્લોબર લીડર તરીકે વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે ટોટલ એનર્જી દ્વારા ભાવિ રોકાણ ન કરવાનો ર્નિણય તેના આ લક્ષ્યાંકોમાં પડકારરૂપ બની શકે છે. ટોટલ એનર્જીએ ૨૦૨૦માં અદાણી ગ્રૂપની કંપનીઓમાં વ્યૂહાત્મક ભાગીદાર અને રોકાણકાર રહી છે. ટોટલ એનર્જીના આ નિવેદન મુદ્દે અદાણી ગ્રૂપે હાલ કોઈ સ્પષ્ટતા કરી નથી.