ગુજરાતમાં પ્રોજેક્ટ ખસેડવાથી મહારાષ્ટ્રમાં નોકરીઓ છીનવાઈ
પ્રિયંકાએ ભાજપની નીતિઓની ટીકા કરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં સત્તારૂઢ મહાયુતિ ગઠબંધનના નેતાઓ વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા અને સમાજમાં ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવો આક્ષેપ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કર્યો છે. મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં એક સભાને સંબોધતાં પ્રિયંકાએ ભાજપની નીતિઓની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે કેટલાક મોટા પ્રોજેક્ટ ગુજરાતમાં ખસેડવાને કારણે મહારાષ્ટ્રમાં નોકરીઓ છીનવાઈ ગઈ છે.
રાજ્યની મહાયુતિ સરકાર પર તેની મુખ્ય યોજના ‘લાડકી બહિન’ પર કટાક્ષ કરતા પ્રિયંકાએ કહ્યું હતું કે મહિલાઓએ વધુ સારા જીવન માટે મત આપવો જોઈએ, ના કે દર મહિને તેઓને ૧,૫૦૦ રૂપિયા મળી જાય તે માટે. કોંગ્રેસના નેતાએ એમ પણ કહ્યું હતું કે જો વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી સત્તામાં આવશે, તો તે સોયાબીનના પાક માટે ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ લઘુત્તમ ટેકાનો ભાવ ૭,૦૦૦ રૂપિયા આપશે.
પ્રિયંકાએ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં ૨.૫ લાખથી વધુ જગ્યાઓ ખાલી છે. તેમણે કહ્યું હતું કે, ફોક્સકોન, એરબસ જેવા પ્રોજેક્ટને ગુજરાતમાં ખસેડવાને કારણે રાજ્યમાં નોકરીઓ છીનવાઈ ગઈ છે. કોંગ્રેસ મહાસચિવે કહ્યું હતું કે લોકો રોજગારી મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, નવા કૌશલ્યો શીખી રહ્યા છે, પરંતુ તેમ છતાં તેઓ નોકરીઓ મેળવી શકતા નથી. સરકારે આ બાબતને પ્રાથમિકતા આપવી જોઈતી હતી, પરંતુ તે આ જગ્યાઓ ભરવામાં નિષ્ફળ ગઈ છે. તેમણે મહારાષ્ટ્રમાં યુવાનોની આત્મહત્યાને રોજગારની તકોના અભાવ સાથે જોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. પ્રિયંકાએ દાવો કર્યો હતો કે દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ યુવાનો આત્મહત્યા કરે છે. બેરોજગારી દૂર કરવામાં ભાજપની નિષ્ફળતાનું આ પરિણામ છે.