પ્રિન્સિપાલે ત્રણ શખ્સો સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મણિનગરમાંથી સુરતની સ્કૂલના પ્રિન્સિપાલનું ત્રણ શખ્સોએ રૂપિયાની લેતીદેતીમાં અપહરણ કરીને કઠવાડા પાસે ફાર્મ હાઉસમાં ગોંધી રાખીને માર માર્યો હતો. જેમાં પ્રિન્સિપાલના મિત્રે શખ્સ પાસેથી રૂ. ૩.૫૦ કરોડ લીધા હતા જે પરત આપ્યા ન હતા અને તે દુબઇ રહે છે. જ્યારે પ્રિન્સિપાલે વોશરૂમનું બહાનું કાઢીને ભાગી છૂટ્યા હતા. આ અંગે પ્રિન્સિપાલે ત્રણ શખ્સો સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સુરતમાં રહેતા સંજયકુમાર પટેલ સ્નેહરશ્મિ પ્રાથમિક શાળા સુરતમાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરે છે. આઠ મહિના પહેલા તેમના મિત્ર ચંદ્રેશ મકાસણા દ્વારા જિગ્નેશ બલદાણિયા સાથે નિકોલમાં મુલાકાત થઇ હતી. જિગ્નેશ ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટર છે. સંજયકુમાર અને જિગ્નેશ વચ્ચે મિત્રતા થતા રૂપિયાની લેતીદેતી થવા લાગી હતી. સંજયભાઇએ ચંદ્રેશ પાસે ગર્વમેન્ટ કામકાજ કરવા ભાગીદારીમાં સાત મહિનામાં કુલ રૂ. ૧૪ કરોડનું રોકાણ કર્યું હતું. જેની સામે સંજયભાઇએ કુલ રૂ. ૧૭.૮૦ કરોડ ચૂકવી આપ્યા હતા.
આ દરમિયાન જિગ્નેશ અને કુલદીપ સોલંકીએ ચંદ્રેશને રૂ. ૩.૫૦ કરોડ આપ્યા હતા, પરંતુ પરત આપ્યા ન હતા. જ્યારે ગત ૧૯ નવેમ્બરે જિગ્નેશે સંજયભાઇને ફોન કરીને તમે ક્યારે અમદાવાદ આવવાના છો? ધંધા માટે મળવું છે કહેતા ગત ૨૦ નવેમ્બરે સંજયભાઇ મિત્રની કાર લઇને મણિનગર જિગ્નેશને મળવા આવ્યા હતા. દરમિયાન જિગ્નેશે મણિનગરમાં આવેલા મીનાક્ષી કોમ્પ્લેક્સમાં ત્રીજા માળની ઓફિસમાં સંજયભાઇને લઇ ગયો હતો. જ્યાં કુલદીપ અને અન્ય છ શખ્સો અગાઉથી હાજર હતા.
તમામે સંજયભાઇને માર મારીને પર્સ, મોબાઇલ, કારની ચાવી સહિતની વસ્તુઓ લઇ લીધી હતી. જેથી સંજયભાઇએ પૂછતા કુલદીપે જણાવ્યું કે, ચંદ્રેશ જ્યાં સુધી રૂપિયા નહિ આપે ત્યાં સુધી તમને ગોંધી રાખીશું. બાદમાં શખ્સોએ સુરેન્દ્રનગર લઇ જવાનું કહીને રાજકોટ હાઇવે પર લઇ ગયા હતા અને મણિનગર ઓફિસે પરત લાવીને અપહરણ કરીને જાણુ ગામ પાસે આવેલા ફાર્મમાં લઇ જઇને ચંદ્રેશના રૂપિયા તારે આપવાના છે, નહિ આપે તો મારી નાખવાની ધમકી આપીને માર માર્યો હતો. રાત્રિના સમયે સંજયભાઇ વોશરૂમનું બહાનું કાઢીને અંધારામાં પાછળ ખુલ્લા ખેતરમાંથી કઠવાડા તરફ ભાગીને એક વ્યક્તિની મદદ માગીને ફોન કરીને ભાઇને બોલાવીને સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે સંજયકુમારે કુલદીપ, જિગ્નેશ અને રોકી સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.