ACB ના PI ના ભાઈના ઘરેથી જુગારનો અડ્ડો પકડાયો
૫૦ લાખથી વધુનો મુદ્દામાલ કરાયો કબ્જે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરેન્દ્રનગરના પાટડીમાં SMC એ ગેરાકાયદેસર ધમધમતા જુગારધામ પર દરોડા પાડી મોટી કાર્યવાહી કરી છે. દરોડામાં ACB ના PI ના ભાઈના ઘરે જુગારધામ ધમી રહ્યું હોવાની બાતમીના આધારે દરોડા પાડ્યા હતા.
ગુજરાતમાં ગુનાખોરીનું વધતું પ્રમાણ હવે નવાઈ પમાડી રહ્યું નથી. સતત વધતા ગુનાઓને રોકવા પોલીસ લોકોની વ્હારે આવતી હોય છે. પરંતુ પોલીસ જ ગુનાઓને વધારવામાં મદદ કરતી હોય કે પછી ગુનાઓ કે ગુનેગારો સામે આંખ આડા કાન કરતી હોય ત્યારે સમાજમાં ગુનાખોરીનું વરવું સ્વરૂપ જોવા મળે છે. સુરેન્દ્રનગરમાં આવી જ ગેરકાયદેસર પ્રવૃતિ રોકવાને બદલે છાવરવામાં આવી હોય તેમ જાણવા મળતા ગાંધીનગર SMC એ દરોડા પાડી મોટી કાર્યવાહી કરી હતી.
સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકામાં જુગારધામ પર SMC એ દરોડા પાડ્યા હતા, જેમાં ૨૫ પુરૂષો અને ૫ મહિલાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. જેમાં ACB (એન્ટિ કરપ્શન બ્યુરો)ના PI ના ભાઇ કિરણ ઠાકોરના ઘરે જુગારનો અડ્ડો ધમધમી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. મોડી રાત્રે પાટડીના વેલનાથનગરમાં જુગારધામ પર દરોડા પાડી કાર, મોબાઈલ, બાઈક, રોકડ સહિત અંદાજીત ૫૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.