ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોનો બચાવ
ગુજરાતના માછીમારોમાં પણ ભયનો માહોલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન જાણે સુધરવાનું નામ જ નથી લઈ રહ્યો. રવિવારે મોડી રાત્રે પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે માછીમારોની બોટ ડૂબી ગઈ હતી. જાેકે, સદનસીબે માછીમારોનો બચાવ થયો હતો, પરંતુ માછીમારની બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. સમગ્ર ઘટનામાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોનો બચાવ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ રવિવારે અરબી સમુદ્રમાં IMBL નજીક ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ભારતીય માછીમારોની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરાવામાં આવ્યું હતું. જોકે, પાકિસ્તાન તરફથી ફાયરિંગ થતાં જ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી અને માછીમારોનો આબાદ બચાવ કર્યો હતો. સમગ્ર ફાયરિંગની ઘટનામાં માછીમારોની બોટમાં નુકસાન થતાં તે પાણીમાં ડૂબી ગઈ હતી. નોંધનીય છે કે, સમગ્ર ઘટના દરમિયાન કોઈ જાનહાનિ નોંધાઈ નથી. બપોર બાદ કોસ્ટગાર્ડની ટીમ માછીમારોને ઓખા બંદરે લઈને આવશે તેવું જાણવા મળી રહ્યું છે. ભારતીય જળ સીમા નજીક પાક મરીન દ્વારા ફાયરિંગની ઘટના બનતા ગુજરાતના માછીમારોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.