વિશ્વમાં પ્રથમવાર માતાજીનું સિંહ આકારનું મંદિર બનશે
મંદિરની અંદર ૨૧ ફૂટ ઊંચાઇ ધરાવતી માતાજીની મૂર્તિ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં માતાજીના અનેક પૌરાણિક અને વિશાળ મંદિરો આવેલા છે. પરંતુ ગુજરાતમાં સાણંદ ખાતે વિશ્વમાં સૌપ્રથમ સિંહ આકારનું માતાજીનું મંદિર બનાવવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અનોખા મંદિરનું ઐતિહાસિક ભૂમિપૂજન ૧૭ નવેમ્બરને રવિવારે રાખવામાં આવ્યું છે.
સાણંદ ખાતે નિર્માણ પામનાર આ મંદિરની અંદર ૨૧ ફૂટ ઊંચાઇ ધરાવતી માતાજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત અહીંથી જ ભાવિક ભક્તો ૫૧ શક્તિપીઠોના દર્શનનો લાભ પણ ઉઠાવી શકશે. આ અનોખા મંદિર પરિસરમાં ટ્રસ્ટ દ્વારા નિયમિત વ્રતનું પણ આયોજન કરવામાં આવશે. આ મંદિર ન માત્ર આસ્થાનું સ્થાન બનશે પરંતુ વિશ્વની અનોખી કલા અને આદ્યાત્મિક વિકાસનું પણ સ્થાન બનશે તેમ ટ્રસ્ટીઓ પાસેથી જાણવા મળે છે.
આ મંદિર પરિસરમાં તીર્થયાત્રીઓ માટે ધ્યાન કેન્દ્ર ઉપરાંત ભોજન અને આરામ માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે સાથે સ્થાનિક લોકો માટે અનુકૂળ વસ્તુઓ સામેલ હશે. આ મંદિર રાજ્યની ધર્મપ્રેમી ભક્તો માટે એક નવું આદ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બની જશે. જે જગ્યાની વિરાસત અને સંસ્કૃતિને પ્રદર્શિત કરશે. સિંહ આકારમાં નિર્માણ પામતા આ મંદિરમાં ૨૧ ફુટની અને ૫ ફુટ પહોળી છ સિંહની મૂર્તિઓ પણ હશે.
આ અનોખા મંદિરના નિર્માણ પહેલા મંદિર ટ્રસ્ટ તરફથી એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં મંદિરના મુખિયાના જણાવ્યા અનુસાર, ૧ મહિનાના નાના સમયગાળામાં ૧૫ ગામડાની ૨૦૧ અનાથ અથવા જરૂરિયાતમંદ દીકરીઓને દત્તક લેવામાં આવશે. આ ગામ નળ સરોવરની આસપાસના હશે. મંદિરમાં આ અનાથ અને ગરીબઘરની દીકરીઓ માટે રહેવા સહિતની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવશે. તેમણે આગળ કહ્યું કે, માતા દુર્ગાને દીકરીઓ ખુબ પસંદ છે, માટે એકસાથે આટલી મોટી સંખ્યામાં દીકરીઓને દત્તક લેવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
આ મંદિર બનાવનાર સંસ્થા દ્વારા દેશભરના ૪૫ શક્તિપીઠો અને બીજા ૬ શક્તિપીઠોથી ૩ મહિનામાં જ્યોત એકત્રિત કરવામાં આવશે. આ માટે સંસ્થાના ૪ લોકો પાકિસ્તાન સ્થિત હિંગળાજ માતા શક્તિપીઠમાં પણ જશે અને ત્યાંથી જ્યોત લઈ આવશે. આ કામમાં સંસ્થાના ૨૫થી વધુ સદસ્યો કામ કરશે. આ શહેરનું એકમાત્ર એવું મંદિર હેૃશે જ્યાં એક સાથે ૫૧ શક્તિપીઠોની પ્રતિકૃતિ જોઈ શકાશે. સાથે જ મંદિરમાં એકસાથે ૫૦૦ લોકોને દર્શનના લાભની વ્યવસ્થા કરવામાં આવશે.