ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી મેચમાં જો રૂટે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈંગ્લેન્ડે પહેલી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને ૮ વિકેટથી કારમી હાર આપી છે. ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી આ મેચમાં જો રૂટે એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રૂટ હવે ચૌથી ઈનિંગમાં દુનિયામાં સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે. કીવી ટીમ વિરુદ્ધ મેચ પહેલા જો રૂટે ૪૮ વાર ચોથી ઈનિંગમાં બેટિંગ કરી હતી, જેમાં તેમના નામે ૧,૬૦૭ રન હતા. રૂટે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચની ચોથી ઈનિંગમાં ૨૩ રન બનાવતા જ સચિન તેંદુલકરને પાછળ છોડી દીધો છે.
અત્યાર સુધી આ રેકોર્ડ ભારતના દિગ્ગજ બેટર સચિન તેંદુલકરના નામે હતો, જેણે પોતાના ૨૪ વર્ષના કાર્યકાળમાં ચોથી ઈનિંગમાં રમતા ૬૦ વાર બેટિંગ કરીને ૧૬૨૫ રન બનાવ્યા હતા. હવે જો રૂટે ૪૯ વખત ચોથી ઈનિંગમાં બેટિંગ કરીને ૧૬૩૦ રન બનાવી દીધા છે. તમને જણાવી દઈએ કે રૂટ અને તેંદુલકર સિવાય ગ્રીમ સ્મિથ અને એલિસ્ટર કુક એવા ૨ અન્ય બેટર છે, જેમણે ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં ચોથી ઈનિંગમાં ૧૬૦૦થી વધુ રન બનાવ્યા હતા. આ રેકોર્ડ એટલા માટે પણ ઐતિહાસિક અને યાદગાર છે કારણ કે રૂટે આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવા માટે તેંદુલકર કરતા ૧૧ ઈનિંગ ઓછી રમી છે.
જાે રૂટ આ વર્ષ ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં એલિસ્ટર કુકથી આગળ નીકળી ગયા હતા. કુકે પોતાની ૧૬૧ ટેસ્ટ મેચોમાં કરિયરમાં ૧૨,૪૭૨ રન બનાવ્યા હતા. બીજી બાજુ જો રૂટ આ લિસ્ટમાં પાંચમા નંબર પર છે, જેમના હાલ ૧૨,૭૭૭ રન છે. સૌથી વધુ રન બનાવવાના મામલામાં તેમના ઉપર હવે માત્ર સચિન તેંદુલકર, રિકી પોન્ટિંગ, જેક્સ કાલિસ અને રાહુલ દ્રવિડ છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન સચિન તેંદુલકરે બનાવ્યા, જેમણે ૨૦૦ ટેસ્ટ મેચોમાં ૧૫,૯૨૧ રન બનાવ્યા હતા. જો રૂટે છેલ્લા એક વર્ષથી માત્ર ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન આપ્યું છે કારણ કે છેલ્લી વાર તેમણે ૨૦૨૩ વર્લ્ડ કપ દરમિયાન વનડે મેચ રમતો જોવા મળ્યો હતો. જ્યારે વર્ષ ૨૦૧૯ બાદ તેમણે ઈંગ્લેન્ડ માટે કોઈ ટી૨૦ મેચ રમી નથી.