પથ્થરમારો અને હથિયારો વડે તોડફોડ કરી દેશી બોમ્બ પણ ફેંકાયા
પોલીસે ૧૭ લોકોને સકંજામાં લીધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં ફરી એકવાર કોમી હુલ્લડ ફાટી નીકળ્યા છે. મુર્શિદાબાદના બેલડાંગા વિસ્તારોમાં બે કોમ વચ્ચે અથડામણ થતાં જિલ્લામાં BNS ની કલમ ૧૬૩ હેઠળ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.આ મામલે પોલીસે ૧૭ લોકોની ધરપકડ પણ કરી છે. એક ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ પર કથિત આપત્તિજનક સંદેશના કારણે આ હિંસા શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર, બેલડાંગામાં કાર્તિક પૂજા પંડાલની નજીક બનાવવામાં આવેલા કામચલાઉ ગેટ પર લગાવેલા ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ પર હિન્દુ-મુસ્લિમ વચ્ચે લડાઈ કરાવવાના અર્થે ધર્મ વિરોધી સંદેશના કારણે અથડામણ સર્જાઈ હતી. જેમાં મુસ્લિમ સમુદાયના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર લોકોને ઉશ્કેરવા ધર્મ વિરોધી નિવેદનો રજૂ કરી હિન્દુઓને ધમકી આપી હતી.
વિવાદ સર્જાતા બંને સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં પથ્થરમારો અને હથિયારો વડે તોડફોડ કરવામાં આવી હતી. જેમાં દેશી બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતાં. પોલીસે સવાર સુધીમાં સ્થિતિ કાબૂમાં લીધી હતી. જોકે, વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળ્યો છે. મુર્શિદાબાદના બેલડાંગા અને કાજીસાહા અને બેગુરબન વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. હિંસાના કારણે સિયાલદહથી મુર્શિદાબાદ જતી ભાગીરથી એક્સપ્રેસ કલાકો સુધી ફસાઈ હતી. ભાજપે આ ઘટના મુદ્દે મમતા બેનરજીની સરકાર પર નિશાન સાધ્યું હતું. તૃણમૂલ કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું કે, સ્થિતિ હાલ કાબુમાં છે.