ભારતે મેચના ચોથા દિવસે ૨૯૫ રને જીત મેળવી
પાંચ ખેલાડીઓએ ભારતની જીતમાં સૌથી મહત્વનું યોગદાન આપ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની શરૂઆત દમદાર અંદાજમાં થી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૦૨૫માં ભારતે ૧-૦ની લીડ મેળવી લીધી છે. ભારતે મેચના ચોથા દિવસે ૨૯૫ રને જીત મેળવી છે. ભારતીય ટીમની જીતના હીરોની વાત કરીએ તો તેમાં ભલે જસપ્રીત બુમરાહ અને યશસ્વીનું યોગદાન સૌથી વધુ રહ્યું હોય, પરંતુ આ સિવાય પણ ત્રણ એવા ખેલાડી છે જેણે કમાલનું પ્રદર્શન કર્યું છે. તમે પણ જાણો કયા પાંચ ખેલાડીઓએ ભારતની જીતમાં સૌથી મહત્વનું યોગદાન આપ્યું.
જસપ્રીત બુમરાહ : જસપ્રીત બુમરાહએ પ્રથમ ટેસ્ટમાં ટીમની કમાન સંભાળી હતી. પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમ ૧૫૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, પરંતુ બુમહારે પાંચ વિકેટ ઝડપીને ભારતની વાપસી કરાવી હતી. જ્યારે બીજી ઈનિંગમાં પણ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટરોને આઉટ કરી બુમરાહે ત્રણ વિકેટ મેળવી હતી. આ મેચમાં બુમરાહની કેપ્ટનશિપ પણ શાનદાર રહી હતી.
યશસ્વી જાયસ્વાલ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત રમી રહેલો જયસ્વાલ પ્રથમ ઈનિંગમાં શૂન્ય રને આઉટ થઈ ગયો હતો. પરંતુ બીજી ઈનિંગમાં તેણે મજબૂત વાપસી કરતા ૧૬૧ રન ફટકારી દીધા હતા. તેની ઈનિંગની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર ધકેલી દીધું હતું.
કેએલ રાહુલ : હંમેશા આલોચકોના નિશાને રહેતા કેએલ રાહુલે પણ પર્થ ટેસ્ટમાં ગજબનું પ્રદર્શન કર્યું છે. તેણે પ્રથમ ઈનિંગમાં પણ ૭૪ બોલનો સામનો કરી ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે દુર્ભાગ્યપૂર્ણ રીતે આઉટ થયો હતો. પરંતુ બીજી ઈનિંગમાં રાહુલે યશસ્વી સાથે મોટી ભાગીદારી કરાવી ભારતની મેચમાં વાપસી કરાવી હતી. રાહુલે બીજી ઈનિંગમાં ૭૭ રનનું યોગદાન આપ્યું હતું.
વિરાટ કોહલી : ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા વિરાટ કોહલીના ફોર્મને લઈને સતત સવાલો ઉઠી રહ્યાં હતા. પ્રથમ ઈનિંગમાં કોહલી સસ્તામાં આઉટ થઈ ગયો હતો. પરંતુ તેણે બીજી ઈનિંગમાં જ્યારે ટીમને વધુ જરૂર હતી ત્યારે પોતાના અનુભવનો ફાયદો ઉઠાવ્યો અને સદી ફટકારી હતી. કોહલીએ પોતાની ૩૦મી ટેસ્ટ સદી ફટકારતા અણનમ ૧૦૦ રન બનાવ્યા હતા.
નિતીશ કુમાર રેડ્ડી : ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કરનાર નિતીશ કુમાર રેડ્ડીએ પણ બંને ઈનિંગમાં પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યાં છે. નિતીશ કુમાર રેડ્ડીએ પ્રથમ ઈનિંગમાં પણ ૪૧ રનની ઈનિંગ રમી હતી. જ્યારે બીજી ઈનિંગમાં તેણે આક્રમક બેટિંગ કરતા ૨૭ બોલમાં અણનમ ૩૮ રન ફટકારી દીધા હતા. રેડ્ડીએ બીજી ઈનિંગમાં બોલિંગ દરમિયાન મિચેલ માર્શની વિકેટ પણ લીધી હતી.