નાઈજીરિયાના રાષ્ટ્રપતિએ PM મોદીને સોંપી નાઈજીરિયાના પાટનગરની ચાવી
છેલ્લા ૧૭ વર્ષમાં નાઈજીરિયાની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન મોદી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસના ભાગ રૂપે પહેલીવાર નાઈજીરિયા પહોંચ્યા છે. ભારત અને નાઈજીરિયાના સંબંધોને મજબૂત કરવા માટે આ મુલાકાત ખાસ માનવામાં આવી રહી છે. PM મોદી છેલ્લા ૧૭ વર્ષમાં નાઈજીરિયાની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે.
ત્યારે PM મોદી અબુજા એરપોર્ટ પર પહોચતા નાઈજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબૂએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ સાથે જ તેમને વડાપ્રધાન મોદીને અબુજા શહેરની કુંજી (ચાવી) અર્પણ કરી હતી. જે આ ચાવી નાઇજીરીયાના લોકોનો વડાપ્રધાન પર જે વિશ્વાસ અને આદર છે તે દર્શાવે છે. PM મોદીને આ ચાવી અર્પણ કરવી તે ભારતીય કૂટનીતિ માટે ઘણું મહત્ત્વ ધરાવે છે. આ કોઈ સામાન્ય ઘટના નથી, તે બંને દેશો વચ્ચેના સંબંધો અને ‘વસુધૈવ કુટુંબકમ’ની વિચારધારા સાથે ભારતની કૂટનીતિ માટે મહત્ત્વપૂર્ણ છે.
PM મોદીને નાઇજિરિયાની ચાવી સોંપવી એ નાઇજિરિયા માટે નવા દેશ સાથે ખૂબ જ ઊંડી મિત્રતાનું પ્રતીક છે. તેમજ આફ્રિકા સાથે ભારતના વધતા સંબંધો માટે એક નાનું પરંતુ શક્તિશાળી પગલું છે. નાઈજીરિયાની ચાવી સોંપવાની ઘટના દ્વારા આદર અને મિત્રતાના આ શાંત પ્રતીકે આશ્ચર્યજનક રીતે એક અલગ જ સંદેશ આપ્યો છે. જો કે, ચાવીઓ આપવી એ માત્ર ઔપચારિક સ્વાગત કરતાં ઘણું બધું છે. તે આફ્રિકન મહાદ્વીપ સાથે ભારતના સંબંધોમાં વધુ ઊંડો, વધુ વ્યૂહાત્મક પરિવર્તન દર્શાવે છે, જે સહયોગ, પરસ્પર વિકાસ અને સહિયારી આકાંક્ષાઓની પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે.
જેમ તમે વ્યક્તિગત રૂપે તમારા ઘરની ચાવી કોઈ મહેમાનને આપો છો, તો તેનો અર્થ એ છે કે મહેમાન ખૂબ જ વિશ્વાસપાત્ર અને આદરણીય છે. ફેડરલ કેપિટલ ટેરિટરી મિનિસ્ટર નાયસોમ એઝેનવોવિક દ્વારા PM મોદીને સોંપવામાં આવેલી ચાવીનું પણ ઘણું મહત્ત્વ છે. જે નાઈજીરીયાનો ભારત માટે ખૂબ જ આદર દર્શાવે છે.