Last Updated on by Sampurna Samachar
માઈનિંગ અને વીજ ક્ષેત્રે મંદી જોવા મળી
સરકારી ખર્ચ અને ખરીફ પાકની વાવણી પ્રત્યે સકારાત્મક વલણો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારે વરસાદ અને નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામોના કારણે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશનો GDP ગ્રોથ ઘટી ૬.૫ ટકા રહેવાની શક્યતા છે. સ્થાનિક રેટિંગ એજન્સી ઈકરાએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બીજા છ માસમાં આર્થિક ગતિવિધિઓ વેગવાન બનવાના આશાવાદ વચ્ચે નાણાકીય વર્ષના અંતે GDP ગ્રોથ ૭ ટકા રહેવાનો અંદાજ જાળવી રાખ્યો છે.
RBI દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે GDP ગ્રોથ ૭.૨ ટકા રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જે ૨૦૨૩-૨૪ના ૮.૨ ટકાના અંદાજ સામે ઓછો છે. જેની પાછળનું કારણ શહેરી માગમાં ઘટાડો અને વધુ પડતો વરસાદ છે. બીજા ત્રિમાસિકના GDP આંકડા ૩૦ નવેમ્બરે જાહેર થશે.
પ્રથમ ત્રિમાસિકમાં GDP ગ્રોથ ૬.૭ ટકા નોંધાયો હતો. જોકે, અતિ ભારે વરસાદ અને નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામોના કારણે બીજા ત્રિમાસિકમાં GDP ગ્રોથ ઘટ્યો છે. સરકારી ખર્ચ અને ખરીફ પાકની વાવણી પ્રત્યે સકારાત્મક વલણો છે. પરંતુ માઈનિંગ અને વીજ ક્ષેત્રે મંદી જોવા મળી છે.ઈકરાના ચીફ ઈકોનોમિસ્ટ અદિતિ નાયરે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બીજા ત્રિમાસિકમાં ચૂંટણી બાદ મૂડીગત ખર્ચમાં વધારો થશે. તેમજ સારા વરસાદના કારણે ખરીફ પાકોના વાવેતર વધવાની શક્યતા છે.
ભારે વરસાદના કારણે માઈનિંગ, વીજ અને રિટેલ સહિત વિવિધ સેક્ટરમાં પ્રતિકૂળ અસરો જોવા મળી છે. પરંતુ કૃષિ ક્ષેત્રે સકારાત્મક વલણ રહેવાનો આશાવાદ છે. જળાશયો રિચાર્જ થતાં ગ્રામીણ માગમાં સુધારાની સંભાવના છે. ખાનગી વપરાશ, પર્સનલ લોનમાં વૃદ્ધિ, ઉપરાંત કોમોડિટીના ભાવ અને જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ પર GDP ગ્રોથમાં ફેરફારનો મદાર રહેશે.