વન વિભાગે આ કેસમાં બે લોકોની કરી ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દીપડા કે અન્ય વન્યજીવોના હુમલા વિષે તો આપણે અવારનવાર વાંચી છીએ. પરંતુ હાલમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં લોકોએ ભેગા મળી દીપડાનો જ શિકાર કરી નાખ્યો, શિકાર કરી નાખ્યો ત્યાં સુધી તો ઠીક છે. પરંતુ શિકાર કરી તેણે રાંધીને પણ ખાઈ ગયા.
મળતી માહિતી મુજબ ઓડિશાના નુઆપાડા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક દીપડાનો શિકાર કરવામાં આવ્યો છે અને પછી દીપડાને રાંધીને ખાઈ ગયો છે. આ કેસમાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને દીપડાનું માથું પણ મળી આવ્યું છે.
નુઆપાડા જિલ્લામાં વન્યજીવ દેવધરા ગામ પાસેના જંગલમાં જંગલી ભૂંડનો શિકાર કરવા મુકવામાં આવેલી જાળમાં એક દીપડો ફસાઈ ગયો હતો. એવો આરોપ છે કે પુસ્તમ ચિંદા અને હૃષિકેશ ચિંડા એ દીપડાને મારી નાખ્યો, તેની ચામડી ઉતારી અને માંસને રાંધીને ખાધું. વન વિભાગના જણાવ્યા અનુસાર બાતમી પર કાર્યવાહી કરતા, વન અધિકારીઓએ આરોપીઓના છુપાયેલા સ્થળો પર દરોડા પાડ્યા હતા, જેમાં દીપડાની ચામડી, માથું અને રાંધેલું માંસ મળી આવ્યું હતું. જોકે તેના બે સાથી સ્થળ પરથી નાસી જવામાં સફળ રહ્યા હતા.
ખારિયાર ફોરેસ્ટ ડિવિઝનના મદદનીશ વન સંરક્ષક, મોહમ્મદ મુસ્તફા સાલેહાએ જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે અને ધરપકડ કરાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ખાસ ટીમો ફરાર આરોપીઓને શોધવામાં વ્યસ્ત છે.વન વિભાગે સ્થાનિક સમુદાયોને વન્યજીવ સંરક્ષણમાં સહકાર આપવા અને અધિકારીઓને આવી ઘટનાઓની તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે.
ચિત્તા જેવી લુપ્તપ્રાય પ્રજાતિઓનો શિકાર માત્ર પ્રજાતિની ઓળખ જ નહીં પરંતુ પર્યાવરણીય સંતુલનને પણ અસર કરે છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને અધિકારીઓએ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.