અમરસૂર્યા શ્રીલંકાના ત્રીજા મહિલા નેતા
રાજકારણમાં એન્ટ્રીના પાંચ જ વર્ષમાં વડાપ્રધાન બન્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી યુનિવર્સિટીમાં ભણેલા હરિની અમરસૂર્યાને શ્રીલંકાના નવા વડાપ્રધાન બનાવાયા છે. આ પદ પર બીરાજનાર તેઓ શ્રીલંકાના ત્રીજા મહિલા નેતા છે. તેઓ બે મહિના અગાઉ શ્રીલંકામાં બનેલી વચગાળાની સરકારમાં પણ વડાપ્રધાન રહી ચૂક્યા છે. અમરસૂર્યા રાજકારણમાં એન્ટ્રીના પાંચ જ વર્ષમાં વડાપ્રધાન બન્યા છે.
હરિની અમરસૂર્યા ૧૯૯૧થી ૧૯૯૪ સુધી દિલ્હી યુનિવર્સિટીના હિન્દુ કોલેજમાં ભણી ચૂક્યા છે. શ્રીલંકામાં ૧૪ નવેમ્બરના રોજે સંસદીય ચૂંટણી યોજાઇ હતી. જેમાં રાષ્ટ્રપતિ અનુરા કુમરા દિસાનાયકેના ગઠબંધન NPP ને જીત મળી હતી. સરકારની નવી કેબિનેટ સોમવારે જ રચાઇ હતી. અમરસૂર્યા અગાઉ સિરિમાઓ ભંડારનાયકે (૩ વખત) અને ચંદ્રિકા કુમારતુંગા (એક વખત) દેશના મહિલા વડાપ્રધાન રહી ચૂક્યા છે. તેઓ ૨૦૨૦માં જ પહેલી વખત સાંસદ બન્યા હતા. રાજકારણમાં ડગલું માંડ્યા અગાઉ તેઓ શ્રીલંકા ઓપન યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા.
વર્ષ ૧૯૮૮-૮૯માં શ્રીલંકામાં તમિલ આંદોલનને કારણે હિંસક અને અરાજકતા ફેલાઇ હતી. એ દરમિયાન સ્કૂલ અને કોલેજો બંધ થઇ ગયા હતા. એવા સમયે હરિની અમરસૂર્યા વધુ ભણવા માટે ભારત આવી ગયા હતા. અહીં તેમણે દિલ્હી યુનિવર્સિટીના હિન્દુ કોલેજમાં એડમિશન લીધું હતું. તેમણે ૧૯૯૧-૧૯૯૪ સુધી સોશિયોલોજીનો અભ્યાસ કર્યો હતો. ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલી અને પત્રકાર અર્નબ ગોસ્વામી તેમના બેચમેટ રહી ચૂક્યા છે.