૫ લાખ ૩૦ હજારથી વધુ વૃદ્ધોને પેન્શન મળશે : અરવિંદ કેજરીવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીના સિનિયર સિટીઝન માટે સારા સમાચાર છે. કેજરીવાલ સરકારે વૃદ્ધોને મોટી ભેટ આપી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હવે દિલ્હીમાં ૫ લાખ ૩૦ હજારથી વધુ વૃદ્ધોને ૨૫૦૦ રૂપિયા સુધીનું પેન્શન મળશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું, જ્યારે ૨૦૧૫માં અમારી સરકાર બની હતી, ત્યારે ૩.૩૨ લાખ વૃદ્ધોને પેન્શન મળતું હતું. આમ આદમી પાર્ટીની સરકારમાં અત્યાર સુધી લગભગ ૪.૫૦ લાખ વૃદ્ધોને પેન્શન મળી રહ્યું હતું. હવે તેમાં ૮૦ હજાર લોકોનો વધારો કરાયો છે, હવે દિલ્હીમાં ૫.૩૦ લાખથી વધારે લોકોને પેન્શન મળશે.
કેજરીવાલે કહ્યું કે, ભાજપ અને આમ આદમી પાર્ટીની સરકારમાં તફાવત સ્પષ્ટ છે, ડબલ એન્જિન સરકારવાળા રાજ્યોમાં વૃદ્ધોને માત્ર ૫૦૦થી ૧૦૦૦ રૂપિયા સુધીનું પેન્શન મળી રહ્યું છે, જ્યારે દિલ્હીમાં સિંગલ એન્જિન સરકારમાં વૃદ્ધોને ૨૫૦૦ રૂપિયા સુધીનું પેન્શન મળશે. ભાજપની ડબલ એન્જિન સરકારથી નુકસાન વધારે છે.
તેમણે કહ્યું કે, આજે હું ખૂબ જ ખુશ છું કે દિલ્હીના લગભગ ૫.૩ લાખ વૃદ્ધો માટે ફરીથી પેન્શન શરૂ થઈ રહ્યું છે. પોર્ટલ શરૂ થયાના ૨૪ કલાકમાં જ ૧૦ હજારથી વધુ અરજીઓ મળી છે. ભાજપે ષડયંત્ર રચીને વૃદ્ધોનું પેન્શન બંધ કરવાનું પાપ કર્યું હતું. પણ હવે તમારો દીકરો આવી ગયો છે, તે હવે તમારા બધા કામ કરાવશે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીમાં ૬૦ વર્ષથી ૬૯ વર્ષની વચ્ચેના લોકોને ૨૦૦૦ રૂપિયા પેન્શન મળે છે. આમ આદમી પાર્ટીની સરકાર બની તે પહેલા આ પેન્શન ૧૦૦૦ રૂપિયા હતું. અમારી સરકાર બન્યા બાદ અમે તેમાં ૧૦૦૦નો વધારો કર્યો છે. ૭૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને ૨૫૦૦ રૂપિયા પેન્શન મળે છે. પહેલા આ પેન્શન ૧૫૦૦ રૂપિયા હતું. કેજરીવાલે કહ્યું કે, રાજસ્થાનમાં વૃદ્ધોને ૧૧૫૦ રૂપિયા પેન્શન મળે છે. ઉત્તર પ્રદેશમાં દર મહિને ૧ હજાર રૂપિયા પેન્શન મળે છે. છત્તીસગઢમાં મહિને ૬૫૦ રૂપિયા અને મધ્ય પ્રદેશમાં મહિને ૬૫૦ રૂપિયા પેન્શન મળે છે. મહારાષ્ટ્રમાં ૬૦૦, ગુજરાતમાં ૭૫૦, ઓડિશામાં ૩૦૦, આસામમાં ૫૦૦ અને ગોવામાં ૫૦૦ રૂપિયા મહિને પેન્શન મળે છે.