Last Updated on by Sampurna Samachar
દાહોદમાં સરનામું પૂછવાના બહાને લૂંટ ચલાવાઇ
મહિલા આરોપી પર રાજ્યમાં ૮ ગુના નોંધાયેલા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દાહોદ શહેરમાં નિર્દોષ લોકોને વાતોમાં ભોળવી તેમની કિંમતી જણસો સેરવતી એક રીઢા ગુનેગાર જોડીનો પર્દાફાશ થયો છે. સરનામું પૂછવાના બહાને મહિલાને વિશ્વાસમાં લઈ નજર ચૂકવી દાગીનાની લૂંટ ચલાવનાર મૂળ મહારાષ્ટ્રના બે આરોપીઓની દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે.

આ ઠગ ટોળકીની કામ કરવાની પદ્ધતિ ફિલ્મી છે. સૌ પ્રથમ પુરુષ આરોપી મહિલાને સરનામું પૂછવા માટે ઉભી રાખે છે અને વાતચીત કરીને જતો રહે છે. તેના ગયા પછી તરત જ મહિલા સાગરીત આવે છે અને ભોગ બનનાર મહિલાને ડરાવે છે કે ‘આવા લોકો લૂંટ ચલાવતા હોય છે, તમે તમારા દાગીના સુરક્ષિત રીતે પર્સમાં મૂકી દો‘.
અગાઉ ૮ જેટલા નોંધાઈ ચૂક્યા છે ગુના
મહિલા ડરના માર્યા પોતાની ચેન અને બુટ્ટી ઉતારી પર્સમાં મુકે છે, ત્યારે આ ઠગ મહિલા નજર ચૂકવી પર્સમાંથી દાગીના સેરવી લઈ બંને ફરાર થઈ જાય છે.લૂંટની ઘટનાની જાણ થતા જ દાહોદ પોલીસ સક્રિય થઈ હતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના સમયમાં જ આરોપી પુરુષ અને મહિલાને ઝડપી પાડ્યા હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બંને આરોપીઓ મૂળ મહારાષ્ટ્રના રહેવાસી છે. પકડાયેલી મહિલા આરોપી સામાન્ય ગુનેગાર નથી, તેના પર ગુજરાત રાજ્યમાં આ પ્રકારના અગાઉ ૮ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે.