Last Updated on by Sampurna Samachar
યુવાધન ડ્રગ્સના દૂષણમાં થઈ રહ્યુ છે બરબાદ
પોરબંદર નજીક દરિયામાંથી ૭૦૦ કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતનો દરિયાકાંઠો જાણે નશીલા પદાર્થોની હેરાફેરી માટે હબ બની ગયો છે. ત્યારે ફરી એક વખત પોરબંદરના દરિયામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ૭૦૦ કિલો ડ્રગ્સના જથ્થા સાથે આઠ જેટલા ઈરાની શખસોની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી અનુસાર ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની ટીમેં મોડી રાત્રે દરિયામાં ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એક બોટમાંથી ૭૦૦ કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બનવાની સાથે સાથે યુવાધન ડ્રગ્સના દૂષણમાં બરબાદ થઈ રહ્યુ છે ત્યારે ગૃહવિભાગે દાવો કર્યો છે કે, પાડોશી દેશો ગુજરાતમાં માદક પદાર્થો ઘૂસાડવાના ઇરાદા ધરાવે છે, પણ ગુજરાત પોલીસની સતર્કતાને લીધે બધુ નાકામ થયુ છે. છેલ્લાં એક જ વર્ષમાં ગુજરાતમાં રૂ.૫૬૪૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયુ છે અને ૪૩૧ ડ્રગ્સ માફિયાઓને જેલના સળિયા પાછળ ધકેલાયાં છે.
દેશમાં ગુજરાતનો દરિયા કિનારો જ એવો છે કે જ્યાંથી સાત વર્ષમાં ૪૦ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. એટલે કે પ્રતિદિન સરેરાશ ૧૫ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાય છે. નશાખોરીના ગુજરાત મોડલને છતાં શાંત અને સુરક્ષિત માનવામાં આવે છે. ગુનેગારો ગુના કરવામાં, દુષ્કર્મ આચરવામાં, નશાખોરી કરવામાં, ડ્રગ્સ વેચવામાં વ્યસ્ત છે. યુવા અને બાહોશ ગૃહમંત્રી શોબાજી અને સોશિયલ મીડિયામાં છવાઈ જવામાં વ્યસ્ત છે.
લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે દરરોજ ૧૫ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે તેની પોલીસને ખબર છે પણ ડ્રગ્સ ક્યાંથી આવે છે, કોના માટે આવે છે, કોણ મોકલે છે અને ક્યાં જાય છે તેની ખબર નથી. ડ્રગ્સની બદીને નાથવા માટે પુરતો પોલીસ ફોર્સ પણ નથી. કેન્દ્ર સરકારના અહેવાલ અનુસાર દેશના પ્રતિ લાખ જનસંખ્યા પ્રમાણે ૧૯૬ પોલીસ જવાન હોવા જોઈએ. અત્યારે ગુજરાતમાં પ્રતિ લાખ માત્ર ૧૧૭ પોલીસ જવાન છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછી સંખ્યા છે. ગુજરાતમાં ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે.
મોંઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ ૨૦૧૮ના આંકડા પ્રમાણે રાજ્યના ૧૭ લાખ ૩૫૦૦૦ પુરુષો ડ્રગ્સના બંધાણી જયારે ૧ લાખ ૮૫ મહિલાઓ ડ્રગ્સની બંધાણી છે. આ જ દર્શાવે છે કે, ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો છે.