પાયલટે સમય સૂચકતા દાખવીને મોટી દુર્ઘટના ટાળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચેન્નઈમાં વહેલી સવારે ચક્રવાત ફેંગલના કારણે મોટી દુર્ઘટના ઘટતા ઘટતા રહી ગઈ હતી. ઈન્ડિગોની એક ફ્લાઈટ ચેન્નઈ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો હતો. જોકે આ સમયે પાયલટે શાનદાર સમજદારી દાખવી અને ચક્રવાતમાં ફસાયેલી ફ્લાઈટ ફંટાઈ ગઈ હોવા છતા મોટી દુર્ઘટના ટાળી હતી. જેનો એક વીડિયો સામે આવી રહ્યો છે જે ઘણો વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રનવે પર ટચ થતાની સાથે જ આ ફ્લાઈટ ચક્રવાતમાં ફસાઈ ગઈ હતી. એટલું જ નહીં તે હવામાં ફંટાઈ પણ ગઈ હતી. એક બાજુ જોરદાર હવા હતી અને બીજી બાજુ રનવે પર પાણી પણ ભરાઈ ગયું હતું. જેના કારણે પાયલટને લેન્ડ કરાવવામાં ઘણી મુશ્કેલી આવી હતી. પછી જેવું ગ્રાઉન્ડ કનેક્શન થયું અને સેફ લેન્ડિંગ ન લાગી એટલે પાયલટે તાત્કાલિક આ પ્લેનને ફરીથી ઉડાવી દીધી હતી. આ એક ગંભીર ઘટના પણ બની શકે એમ હતી પરંતુ ઈન્ડિગોની ફ્લાઈટના પાયલટે સમયસૂચકતા વાપરીને લોકોની સેફટીનું ખાસ ધ્યાન રાખ્યું હતું.
તમને જણાવી દઈએ કે એરલાઈન્સની ભાષામાં જ્યારે આવું થાય એને ગો-અરાઉન્ડ કહેવામાં આવે છે. આવી સ્થિતિ ત્યારે અપનાવાય છે જ્યારે લેન્ડિંગ સુરક્ષિત રૂપે ન થઈ શકે. આ ઘટનાએ પાયલટની તરફથી ર્નિણય લેવાની ક્ષમતાને પણ ચકાસી હતી. પાયલટે એક સેકન્ડથી ઓછા સમયમાં લીધેલા ક્વિક ડિસિઝનની પણ લોકો પ્રશંસા કરી રહ્યા છે. તેમણે બેકાબૂ થઈ રહેલા પ્લેનને પ્રોપર રીતે પાછુ કમાન્ડમાં લઈ લીધું હતું અને ફરીથી હવામાં ઉડાન ભરાવી દીધું હતું.
પુદુચેરીની પાસે લેન્ડફોલ કરનાર ચક્રવાત ફેંગલે ભારે વરસાદ અને સૂસવાટા ભેર ફૂંકાતી હવાઓની સાથે વાતાવરણને પણ વિકરાળ બનાવી દીધું હતું. ચેન્નઈમાં આની ખાસ અસર જોવા મળી હતી. આના કારણે એરપોર્ટ પર ઘણી ફ્લાઈટ્સના લેન્ડિંગની અસર થઈ હતી અને ડિલેય પણ કરાઈ હતી. જોકે ચક્રવાત ફેંગલ છેલ્લા ઘણા કલાકો પહેલા સમુદ્ર કિનારે ટકરાઈ ચૂક્યું હતું. તેવામાં આની ઈફેક્ટ કહો કે સાઈડ ઇફેક્ટ પરંતુ ત્યાં હજુ વાતાવરણ બરાબર નથી થયું. જોકે કિનારા સાથેની ટક્કર બાદ ફેંગલે તેની દિશા બદલી કાઢી હતી.
ચક્રવાત ફેંગલના કારણે ચેન્નઈના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વળી વરસાદને કારણે રંગનાથન સબ-વે સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેવામાં જિલ્લા પ્રશાસન અને પોલીસે લોકોને ઘરે રહેવા માટે જ સલાહ આફી છે. આ ચક્રવાતને કારણે ફ્લાઈટમાં બેઠેલા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે બાદમાં બધાના જીવ બચી ગયા અને પાયલટે ફરીથી ઉડાન ભરાવી લેતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.