અજીત પવારના ભત્રીજા યુગેન્દ્ર પવારે જિલ્લા વહિવટીતંત્રને કરી અરજી
EVM ની તપાસ કરાવવા રૂ.૯ લાખ ફી આપી હોવાના અહેવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પરિણામ જાહેર થયા બાદ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર સતત આંગળી ચિંધાઈ રહી છે. પરિણામો બાદ રાજ્યના અનેક ઉમેદવારોએ EVM માં માઈક્રોકંટ્રોલર વેરિફિકેશન કરવા માટે ચૂંટણી પંચમાં અરજીઓ કરી છે. પુણેના ૨૧ વિધાનસભા ક્ષેત્રોમાંથી ૧૧ ઉમેદવારોએ માઈક્રોકંટ્રોલરની ફરી તપાસ કરવા માટે ચૂંટણી પંચને વિનંતી કરી છે.
શરદ પવારની NCP SP પાર્ટીના બારામતી વિધાનસભા વિસ્તારના ઉમેદવાર યુગેન્દ્ર પવારે પણ ૧૯ EVM ના માઈક્રોકંટ્રોલરનું વેરિફિકેશન કરવા માટે જિલ્લા વહિવટીતંત્રને અરજી કરી છે. આ તપાસ કરાવવા માટે તેમણે ચૂંટણી પંચે ૮.૯૬ લાખ રૂપિયાની ચૂકવણી કરી છે. આ ઉપરાંત માઈક્રોકંટ્રોલરનું વેરિફિકેશન કરાવવા માટે અન્ય ઉમેદવારોની વાત કરીએ તો NCP SP ના હડપસરના ઉમેદવાર પ્રશાંત જગતાપ અને પુણે કેંટના કોંગ્રેસ ઉમેદવાર રમેશ બાગવેએ પણ અરજી કરી છે.
ચૂંટણી પંચના નિયમ મુજબ વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ માઈક્રોકંટ્રોલરનું વેરિફિકેશન કરવા માટે સાત દિવસની અંદર અરજી કરવાની હોય છે. જિલ્લાભરના ઉમેદવારોએ ૧૩૭ ઈફસ્ સેટમાં માઈક્રોકન્ટ્રોલરની ચકાસણીની માંગ કરી છે. આ માટે તેઓએ ચૂંટણી પંચને ૬૬.૬૪ લાખ રૂપિયાની ફી ચૂકવી છે.
સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ, જે ઉમેદવારો પોતાના મત વિસ્તારના પરિણામમાં બીજા અથવા ત્રીજા સ્થાને આવે, તો તેઓ પોતાના ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાયેલ EVM માંથી પાંચ ટકા માઈક્રોકંટ્રોલરની તપાસ કરવાની વિનંતી કરી શકે છે. ઉમેદવારોએ માઈક્રોકંટ્રોલરનું વેરિફિકેશન કરાવવા માટે એક અરજી કરવાની રહે છે તેમજ વેરિફિકેશન પર થતો ખર્ચ ચૂકવવાનો રહે છે.
વેરિફિકેશન માટે અરજીઓ આવ્યા બાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજ્યના મુખ્ય ચૂંટણી કાર્યાલયને જાણ કરી છે. માઈક્રોકંટ્રોલરની તપાસ કરતી વખતે કડક નજર રાખવામાં આવે છે. આ દરમિયાન ઉમેદવાર, વીવીપીએટી બનાવનાર કંપનીના એન્જિનિયરને હાજર રાખવામાં આવે છે.
અરજી કરનારા ઉમેદવારોમાંથી પ્રશાંત જગતાપે હડપસર બેઠક પર ઉપયોગમાં લેવાયેલા તમામ ઈફસ્માંથી ૨૭ની ચકાસણી કરવા માંગ કરી છે. આ માટે તેમણે લગભગ ૧૨ લાખ રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે. ત્યારબાદ ચિંચવડ બેઠક પરના ઉમેદવાર રાહુલ કલાટેએ ૨૫ ઈવીએમની તપાસ કરવા અરજી કરી છે અને તેમણે ચૂંટણી પંચને ૧૧ લાખ રૂપિયાની ચૂકવણી કરી છે. પુરંદરના કોંગ્રેસ ઉમેદવાર સંજય જગતાપે ૯.૯ લાખ રૂપિયાની ફી ભરી ૨૧ ઈવીએમની તપાસ કરાવવાની માંગ કરી છે.