ફ્લાઈટમાં મહિલા સહ-મુસાફરનો યૌન શોષણ કરવા બદલ યુવકની ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીથી ગોવા જતી ફ્લાઈટમાં મહિલા સહ-મુસાફર સાથે યૌન શોષણ કરવા બદલ પોલીસે ૨૩ વર્ષીય યુવકની ધરપકડ કરી છે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી છે.
મળતી માહિતી મુજબ નવી દિલ્હીના જનકપુરીની રહેવાસી ૨૮ વર્ષીય મહિલાએ પોલીસને જણાવ્યું કે ફ્લાઇટ દરમિયાન પ્લેનમાં તેની બાજુમાં બેઠેલા વ્યક્તિએ ધાબળો ઓઢી લીધો અને કથિત રીતે આપત્તિજનક હરકતો કરવા લાગ્યો હતો. ફરિયાદ મુજબ, આ દરમિયાન આરોપીએ જાણી જોઈને પીડિતા તરફ ધાબળો ખુલ્લો રાખ્યો હતો.
ફરિયાદ મુજબ, કથિત ઘટના મંગળવારે સવારે ૧૧ થી ૧ઃ૨૦ વાગ્યાની વચ્ચે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બની હતી. મંગળવારે દક્ષિણ ગોવાના ડાબોલિમ સ્થિત ગોવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન લેન્ડ થયા બાદ મહિલાએ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસે બાદમાં તે વ્યક્તિની ધરપકડ કરી હતી, જેની ઓળખ હરિયાણાના પાણીપતના રહેવાસી જિતેન્દ્ર તરીકે કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે આરોપી પર ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૫ (જાતીય સતામણી) અને ૭૯ (કોઈ મહિલાની શીલ ભંગ કરવાના ઉદ્દેશ્યથી ઈરાદાવાળા કૃત્યો, જેમાં અપમાન, વાંધાજનક હાવભાવ અથવા વસ્તુઓ અને ગોપનીયતા પર ઉલ્લંઘન સામેલ છે) તે હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.