Last Updated on by Sampurna Samachar
તમિલનાડુમાં શ્વાસ રૂંધાવાના કારણે બે બાળકોના મોત અને માતા-પિતાની હાલત નાજુક
પેસ્ટ કંટ્રોલ કંપની વિરુદ્ધ ફરિયાદ નોધાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
તમિલનાડુમાંથી એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળ્યા બાદ સૌ કોઈ હચમચી ઉઠ્યા છે. હકીકતમાં ઉંદરોને મારવાની દવા ઘરમાં રાખવાના ફેલાયેલા ઝેરને કારણે એક મોટી ઘટના બની છે. જેમાં શ્વાસ રૂંધાવાના કારણે બે બાળકોના મોત થયા છે. જ્યારે તેમના માતા-પિતા હાલત હાલમાં ખૂબ ગંભીર હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે ચેન્નઈના મનનજેરી વિસ્તારના દેવેન્દ્ર નગરના ૩૪ વર્ષીય ગિરિધરન અને તેમની પત્ની પવિત્રા એક એપાર્ટમેન્ટમાં રહે છે. ગિરધરન એક ખાનગી બેંકમાં નોકરી કરે છે. ગિરિધરન, તેમની પત્ની અને બંને બાળકોને ચક્કર આવવા લાગ્યા અને પછી ઉલ્ટી થવા લાગી. જ્યારે પડોશીઓને આ વાતની જાણ થઈ તો તેઓએ આખા પરિવારને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ સમય દરમિયાન ગિરિધરનના એક વર્ષના પુત્ર સાઈ સુદર્શન અને છ વર્ષની પુત્રી વિશાલિનીનું મૃત્યુ થયું હતું. જ્યારે ગિરિધરન અને તેની પત્ની પવિત્રાની હાલત હજુ પણ ગંભીર છે. ડોક્ટરોનું કહેવું છે કે, બંનેના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
ઘટનાની જાણ કુન્દ્રાથુર પોલીસને કરવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે ગિરિધરનનો આખો પરિવાર ઘરમાં ઉંદરોથી પરેશાન હતો. ઉંદરો ઘરની વસ્તુઓને નુકસાન પહોંચાડી રહ્યા હતા. તેથી તેમણે ઉંદરોથી છુટકારો મેળવવા માટે પેસ્ટ કંટ્રોલ કંપનીની મદદ લીધી. કંપનીમાંથી બે લોકો આવ્યા હતા અને ઉંદર મારવાનું પાવડરનો છંટકાવ કર્યો હતો. આ પાવડર હવામાં ભળી ગયો હતો.
ગિરિધરનનો આખો પરિવાર એસી રૂમમાં સૂતો હતો. રાત્રે ઝેરની અસર થઈ અને આખો પરિવાર ગંભીર રીતે બીમાર થઈ ગયો. જ્યારે પરિવાર જાગ્યો ત્યારે દરેકને ચક્કર આવવાની ફરિયાદ કરી. અને થોડીવાર બાદ દરેક સભ્યોને ઉલ્ટી થવા લાગી હતી. જ્યારે પડોશીઓને આ વાતની જાણ થઈ તો તેઓએ તરત જ બધાને હોસ્પિટલમાં દાખલ કર્યા. પોલીસનું કહેવું છે કે આ મામલે પેસ્ટ કંટ્રોલ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.