મુહૂર્તમાં મરચાની ૧ ભારીના રેકોર્ડબ્રેક ૨૩ હજાર ભાવ બોલાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ચટાક મરચાંની સિઝનની સૌ પ્રથમવાર આવક શરૂ કરવામાં આવી હતી. સૌપ્રથમ મરચાંની હરાજી મુહૂર્તની પૂજા વિધિ કરવામાં આવી હતી. મરચાંની અંદાજે ૩ હજાર ૫૦૦થી ૪ હજાર ભારીની આવક નોંધાઈ છે. જ્યારે મુહૂર્તમાં મરચાની ૧ ભારીના રેકોર્ડબ્રેક ૨૩ હજાર ૧૧૩ રૂપિયા ભાવ બોલાયા હતા. સાથે જ ૨૦ કિલો મરચાંના ભાવ ૩થી ૬ હજાર સુધી બોલાયા હતા..
ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે. જેને લઈને અન્ય રાજ્યોમાંથી જેવા કે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુ.પી સહિતના રાજ્યોમાંથી વેપારીઓ પણ અહીંયા મરચાંની ખરીદી કરવા માટે આવ્યા હતા. ખેડૂતો પોતાનો મરચાંનો પાક સુકવીને લઈને આવે જેથી કરી ખેડૂતોને પોતાના પાકનો વધુ સારો ભાવ મળે તેવી યાર્ડના ચેરમેન દ્વારા અપીલ કરવામાં આવી હતી.
આ તરફ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થઈ. સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં લાલ પતી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી છે.યાર્ડમાં હરાજી શરૂ થતાં પ્રથમ દિવસે જ ડુંગળીની ૨ હજાર બોરીની મબલખ આવક થઈ. ગત વર્ષની સરખામણીએ ડુંગળીના ભાવ સારા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળીના પ્રતિ મણ ૩૦૦થી ૬૦૦ રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળ્યાં.