ગામ કે શહેરના લોકમેળાઓની રસપ્રદ વિગતો
પોસ્ટ કર્યાના 7 કલાકમાં જ ૯૦૦થી વધુ લોકોએ આપ્યો જવાબ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યના વિવિધ યાત્રાધામો, ગામો, જિલ્લાઓમાં યોજાતા મેળાને નવી ઓળખ આપવા રાજ્યના યુવા, સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ અનોખો પ્રયાસ કર્યો છે. મંત્રી હર્ષ સંઘવીએ ફેસબુકના માધ્યમથી રાજ્યના નાગરિકોને પોતાના ગામ, શહેર, જિલ્લામાં ભરાતાં પ્રખ્યાત-અપ્રખ્યાત મેળાઓના નામ, વિગત અને વિશેષતા જણાવવા અનુરોધ કર્યો હતો. મંત્રીએ રાત્રે ૧.૩૦ વાગ્યે ફેસબુક પર કરેલી પોસ્ટના માત્ર ૭ કલાકમાં ૯૦૦થી વધુ લોકોએ કોમેન્ટ કરી અને પોતાના ગામ, શહેરના લોકમેળાઓની રસપ્રદ વિગત આપીને મંત્રી હર્ષ સંઘવીના આ કાર્યને બિરદાવ્યું છે.
મંત્રી હર્ષ સંઘવીએ ફેસબુકના માધ્યમથી લોક સંસ્કૃતિની ધરોહર એવા નાના મોટાં, પ્રખ્યાત – અપ્રખ્યાત લોકમેળાઓને ઉજાગર કરવાના પ્રયાસમાં રાજ્યના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ આ પ્રયાસને વધાવ્યો છે. મંત્રીએ ફેસબુક પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે, “ગુજરાતનાં અલગ અલગ જિલ્લાઓમાં એવા કેટલાય મેળાઓ ભરાય છે, જે ફક્ત જે-તે જિલ્લાઓ પૂરતાં જ સીમિત રહી જાય છે. આજે એવા જિલ્લાઓને જાણીએ અને જણાવીએ. જેથી,આના થકી આજે કેટલાય અવનવાં મેળાઓ આપણને જાણવા મળશે”
મંત્રીની પોસ્ટમાં રાજ્યના તમામ વિસ્તારમાંથી લોકોએ પોતાનાં આજુબાજુના મેળાની વિગતો આપી છે. જેમાં ઘણાં એવા મેળા છે જે ભાગ્યે જ રાજ્યના અન્ય વિસ્તારના લોકો જાણતા હશે. જેમ કે, બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે શિવરાત્રીના દિવસે સૌથી મોટો અશ્વમેળો યોજાય છે.
નવરાત્રિના આઠમના નોરતે વડોદરાના રણુ ગામે તુલજા ભવાનીનો મેળો, મહેસાણાના પુદગામે સ્વયંભૂ જ્યોતિર્લિંગ શ્રીકૃષ્ણ જન્મોત્સવનો સિદ્ધનાથ મહાદેવનો મેળો ભરાય છે. તો બનાસકાંઠાના થરાદના લુણાવ ગામે ભાઈબીજના દિવસે અતિપ્રાચીન મેળો, દક્ષિણ ગુજરાતના વલસાડના પલસાણા ગામે મહાશિવરાત્રીના દિવસે ગંગાજીનો મેળો યોજાય છે જેમાં સામાજિક સમરસતાની ભાવના જોવા મળે છે. આદિજાતિ સાંસ્કૃતિક મેળાની વાત કરીએ તો, દાહોદના લીમખેડામાં આમલી અગિયારસનો જન્માષ્ટમીના દિવસે મેળો યોજાય છે.
તેમજ છોટાઉદેપુરના લગામી ગામે રંગ પંચમીનો મેળો યોજાય છે જેમાં રામ ઢોલની હરીફાઈ તથા સામાજિક સુધારણાની વાતો કરવામાં આવે છે. એક સમયે જે તે વિસ્તારની શાન ગણાતા મેળા લોકોની સ્મૃતિપટ પરથી વિસરાઈ રહ્યા છે. આ લોકમેળાને પુનઃ સ્મૃતિમાં લાવી તેમાં પ્રાણ ફૂંકવા અને તેનું ડોક્યુમેન્ટ કરવા મંત્રીએ રાજ્યના લોકોને જાેડીને આ અનોખી પહેલ કરી છે. જેમાં લોકોએ પોતાના વિસ્તારના લોકમેળાની વિગતો તો આપી, તેની સાથે તે મેળા પાછળની રસપ્રદ માહિતી પણ શેર કરી છે. એક મેળો એવો છે જે કોઈને કોઈ કારણસર બંધ થયો છે આવા મેળાઓને સ્થાનિકો સાથે મળીને પુનઃ કાર્યરત કરવા મંત્રીએ ખાતરી આપી છે.