રાજ્યમાં પવનની દિશા બદલાશે અને વધશે ઠંડી
હાલ બેવડી ઋતુનો અહેસાસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
શિયાળાની ઠંડીની લોકો રાહ જોઈ રહ્યા છે પરંતુ નવેમ્બરના ૧૬ દિવસ વિતવા છતાં ઠંડીનો જોઈએ તેવો અહેસાસ થતો નથી. જોકે, હાલ પણ બેવડી ઋતુનો અહેસાસ થાય છે. વહેલી સવારે થોડી ઠંડી અને બપોર થતાં જ ગરમીનો અનુભવ થાય છે. પરંતુ ગુજરાતીઓ હવે ઠંડી માટે તૈયાર થઈ જજો. હવે પવનની દિશા બદલાશે અને ઠંડી વધશે.
હવામાન વિભાગનું અનુમાન છે કે, આગામી બે દિવસ તાપમાન યથાવત્ રહેશે અને બે દિવસ બાદ લઘુતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટી જશે. જોકે લઘુતમ તાપમાન ઘટવાનું કારણ છે કે, પવનની દિશા બદલાશે, જેના કારણે સૂકા અને ઠંડા પવન ફૂંકાવાના કારણે લઘુતમ તાપમાન ઘટશે. હાલ રાજ્યમાં ઉત્તર-ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ પવનની દિશા બદલાતા લઘુતમ તાપમાન ઘટશે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે.
અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી છે. જ્યારે લઘુતમ તાપમાન ૧૮.૫ ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય કરતાં ૧ ડિગ્રીથી વધુ છે. જ્યારે ભુજનું મહત્તમ તાપમાન ૩૩.૯ ડિગ્રી છે અને લઘુતમ તાપમાન ૧૯.૭ ડિગ્રી નોંધાયું છે.ડીસાનું મહત્તમ તાપમાન ૩૪.૧ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧૮.૬ ડિગ્રી નોંધાયું છે. લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધુ છે. જ્યારે નલિયાનું મહત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી નોંધાયું છે. જ્યારે લઘુતમ તાપમાન ૧૬.૮ ડિગ્રી છે. લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ૧.૪ ડિગ્રી વધુ છે.
અડધો નવેમ્બર પૂરો થયો છે. તેમ છતાં પણ મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં એકથી ત્રણ ડિગ્રી સુધી ઊંચા છે. ગાંધીનગર, ડીસા, નલિયા, અમરેલી વગેરે શહેરોમાં શિયાળા દરમિયાન અન્ય શહેરો કરતાં તાપમાન નીચું રહેતું હોય છે. પરંતુ હજુ તાપમાન ઘટ્યું નથી. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થાય છે.