દિલજીત દોસાંઝે તેલંગાણા સરકારની કાઢી ઝાટકણી
“ દેશના તમામ રાજ્યો પોતાને ડ્રાય સ્ટેટ જાહેર કરે તો બીજા દિવસથી હું દારૂ પર કોઈ ગીત નહીં ગાઉં”
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના ગાંધીનગરમાં પંજાબી સિંગર દિલજીત દોસાંઝના કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે આ લાઈવ કોન્સર્ટ દરમિયાન ગાયક દિલજીત દોસાંઝે તેલંગાણા સરકારની ઝાટકણી કાઢી હતી. તાજેતરમાં તેના હૈદરાબાદના શો માટે તેલંગાણા સરકારે તેને કેટલીક બાબતોમાં ફેરફાર કરવા માટે નોટિસ મોકલી હતી, જેના પર ગાયક દિલજીત દોસાંઝે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, જો દેશના તમામ રાજ્યો પોતાને ડ્રાય સ્ટેટ જાહેર કરે તો બીજા દિવસથી હું દારૂ પર કોઈ ગીત નહીં ગાઉં.
ભારત પહેલા દિલજીત દોસાંઝે અમેરિકા, લંડન અને અન્ય ઘણી જગ્યાએ કોન્સર્ટ કર્યા, જેના માટે તેમને ઘણો પ્રેમ મળ્યો. જો કે, ભારતમાં આ ટુર શરૂ થાય તે પહેલા જ ગાયક દિલજીત દોસાંઝ વિવાદોમાં ફસાઈ ગયા હતા. તેલંગાણા સરકાર દ્વારા હૈદરાબાદના કોન્સર્ટ માટે જાહેર કરવામાં આવેલી નોટિસમાં દિલજીત દોસાંઝને દારૂ, ડ્રગ્સ અને હિંસા પર આધારિત ગીતો ન ગાવા અને બાળકોને સ્ટેજ પર આમંત્રિત ન કરવા કહેવામાં આવ્યું હતું.
બીજી તરફ દિલજીત દોસાંઝે ગાંધીનગરમાં કોન્સર્ટ દરમિયાન સ્ટેજ પર કહ્યું કે, “સારા સમાચાર એ છે કે આજે મને કોઈ નોટિસ મળી નથી અને તેનાથી પણ સારા સમાચાર એ છે કે, આજે પણ હું દારૂ પર કોઈ ગીત નહીં ગાઉં. હું દારૂ પર ગીતો નહીં ગાઉં કારણ કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે.” સિંગરે વધુમાં કહ્યું કે, “બોલિવૂડમાં દારૂ પર હજારો ગીતો બન્યા છે, જ્યારે મેં વધુમાં વધુ ૨થી ૪ ગીતો બનાવ્યા છે અને હવે હું તે પણ નહીં ગાઉં, કોઈ ટેન્શન નથી. મારા માટે આ કોઈ મુશ્કેલ કામ નથી કારણ કે હું પોતે દારૂ પીતો નથી અને બોલિવૂડ કલાકારોની જેમ દારૂની જાહેરાત પણ કરતો નથી.
આલ્કોહોલવાળા ગીતો પર તેલંગાણા સરકારની નોટિસ પર નિશાન સાધતા દિલજીતે કહ્યું કે, ચાલો એક મૂવમેન્ટ શરૂ કરીએ કે જો આપણા દેશના તમામ રાજ્યો પોતાને ડ્રાય સ્ટેટ જાહેર કરે તો તેના બીજા જ દિવસથી હું દારૂ પર ગાવાનું બંધ કરી દઈશ. આમ થઈ શકે છે? બહુ મોટી આવક છે, કોરોનામાં બધું બંધ હતું પરંતુ દારૂના ઠેકાણાઓ ખુલ્લા હતા. તમે યુવાનોને મૂર્ખ બનાવી શકતા નથી. આ સિવાય તેમણે એક દિવસ માટે ડ્રાય ડે જાહેર કરવાની પણ ઓફર કરી હતી, જ્યાં તેમનો શો યોજાઈ રહ્યો છે. ગાયકે કહ્યું કે, જો આવું થશે તો હું ક્યારેય દારૂ પર ગીત નહીં ગાઉં.