પર્યટકો અને મુલાકાતીઓ ટપાલ ઈતિહાસ વિષે જાણકારી મેળવે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગરમાં ટપાલ વિભાગ દ્વારા મહાત્મા મંદિર નજીકમાં દાંડી કૂટિર, સેક્ટર ૧૩ ખાતે ૧૯-૨૦ નવેમ્બરના રોજ ફિલાવિસ્ટા-૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફિલાવિસ્ટા-૨૦૨૪ નો ઉદ્દેશ્ય પર્યટકો અને મુલાકાતીઓ ટપાલ ટિકિટો, ટપાલ ઈતિહાસ સાથે સંકળાયેલી ચીજવસ્તુઓની જાણકારી મેળવે અને સંગ્રહને પ્રોત્સાહન આપવાનો છે. નોંધનીય છે કે, ટપાલ ટિકિટ સાથે સંકળાયેલી ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાની કળા માટે અંગ્રેજીમાં ફિલાટેલી શબ્દ છે.
જેમાં પ્રદર્શનમાં વિવિધ પ્રકારના ફિલાટેલિક સમાન, જેમ કે દુર્લભ અને મૂલ્યવાન ટપાલ ટિકિટો ઉપલબ્ધ હશે, જેની મુલાકાતીઓ સ્થળ પર ખરીદી કરી શકશે. આ સાથે ફિલાવિસ્ટા-૨૦૨૪માં ફિલાટેલીના શોખીન વ્યક્તિઓ માટે એક ઉત્સાહવર્ધક મંચ પૂરું પાડશે અને દરેક વયના મુલાકાતીઓ માટે સમૃદ્ધિપૂર્ણ અનુભવ મળશે. આ ઉપરાંત, નાની ઉંમરના બાળકોમાં ફિલાટેલીના શોખનો રસ જગાડવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. જેમાં ક્વિઝ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, પત્રલેખન સ્પર્ધા અને ટિકિટ ડિઝાઈનિંગ સ્પર્ધાનો સમાવેશ થાય છે. જેમાં સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેશે અને પોતાનો પ્રતિભા અને સર્જનાત્મકતા રજૂ કરશે.