૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર જિલ્લા કલેક્ટરની સૂચનાથી જિલ્લા ખાણ ભૂસ્તર તંત્ર રજાના દિવસે દોડતુ રહ્યું હતું અને બે દિવસ દરમિયાન ગેરકાયદે રેતી ચોરી જતા ચાર ડમ્પરને વિવિધ સ્થળેથી ઝડપી લઇ રૂપિયા ૧૦૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખનીજ માફિયા તત્વો સામે કાર્યાવાહી હાથ ધરી છે. જિલ્લાના નદી કિનારા વિસ્તારોમાં કલેકટરની ચાંપતી નજરથી ખનીજ અને ભૂ માફિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગાંધીનગર કલેક્ટર મેહુલ દવેની સૂચના થકી મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની આગેવાનીમાં જિલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતુંની ક્ષેત્રીયટીમ દ્વારા રજાના દિવસે પણ સતત વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સાદી રેતી અને સાદી માટી ખનિજના ૪ બિનઅધિકૃત વાહનો જપ્ત કર્યા હતાં.
જેમાં કલોલ તાલુકાના થોળ-સિલજ રોડ, નાસ્મેદથી ડમ્પરમાં ૧૬.૫૭૦ સ્ સાદીરેતી ગેરકાયદે તથા બીજા ડમ્પરમાં ૨૮.૬૬૦ સ્ સાદીરેતી ગેરકાયદે લઇ જવાતી હતી. તેમજ કડી-કલોલ રોડ, છત્રાલથી ત્રીજા ડમ્પરમાં ૧૬.૨૩૦ સ્ સાદીમાટી ખનીજના રોયલ્ટી પાસ વગર ગેરકાયદે લઇ જવાતી હતી. તે ઉપરાંત વધુ એક ડમ્પરમાં રોયલ્ટી પાસ વગર ૨૮.૨૮૦ સ્ સાદીરેતી લઇ જવાતી હતી. આમ કુલ ચાર વાહનો મળી આશરે ૧૦૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ જપ્ત કરેલ વાહનોના વાહનમાલિકો વિરૂધ્ધ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જિલ્લાના નદી કિનારા વિસ્તારોમાં કલેકટરની ચાંપતી નજરથી ખનીજ અને ભૂ માફિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગાંધીનગરમાં ખનીજ ચોરીને માત્ર અટકાવવા નહીં પણ આ પ્રવૃત્તિને મૂળથી કાઢી ફેંકવા તંત્ર સજ્જ હોવા સાથે ગાંધીનગર કલેકટર મેહુલ દવેની ચાંપતી નજરથી હવે ભૂ માફિયાઓમાં ભાગદોડ મચી જવા પામી છે અને ભૂસ્તર શાસ્ત્રીની ટીમ ખનીજ માફિયાઓ માટે પડકાર બની છે.