સરખેજ પોલીસ સ્ટેશનમાં નોધાઇ ફરિયાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઠગાઈ માટે ભેજાબાજો કેવા કેવા કારનામા કરે છે તે સરખેજમાં હાઇવે પર શો રૂમના બનાવ પરથી જણાય છે. આ બનાવમાં ઉત્તરપ્રદેશમાં રહેતા અને જૌનિક્ષ પરવેન પ્રા.લી ટ્રાન્સપોર્ટ કંપનીમાં ટ્રેલરના ડ્રાયવર તરીકે કામ કરતા રાજકુમાર યાદવે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની વિગત મુજબ રાજકુમાર કંડકટર સાથે BMW કારની કંપનીમાંથી ટ્રેલરમાં ત્રણ BMW કાર લઈને સરખેજ મકરબા એસજી હાઈવે પરના BMW કારના શોરૂમ પર કારની ડિલીવરી કરવા માટે આવ્યા હતા.
પરંતુ શોરૂમ બંધ હોવાથી શોરૂમ પાસે ટ્રેલર પાર્ક કરીને ઉંઘી ગયા હતા. દરમિયાન એક શખ્સ ટ્રેલર પાસે આવ્યો હતો અને ટ્રેલરના ડ્રાઈવરને પોતે BMW ના શોરૂમમાંથી આવે છે તેમ જણાવ્યું હતું. તે સિવાય તેણે અહીંયા ટ્રાફિક થશે તેમ કહીને ટ્રેલર બ્લ્યુ લગુ પાર્ટી પ્લોટ પાસે સર્વિસ રોડની સાઈડમાં પાર્ક કરાવ્યું હતું. બાદમાં ડ્રાઈવરને વિશ્વાસમાં લઈને ત્રણેય કારની ચાવીઓ લઈ લીધી હતી અને ત્રણેય કાર નીચે ઉતારી હતી. બાદમાં તેણે એક BMW કાર શોરૂમ પર આવીને બીજી કાર લઈ જશે, એમ કહ્યું હતું. જોકે આ શખ્સ રૂ. ૬૦,૪૬,૫૧૧ ની કિંમતની BMW કાર લઈને ફરાર થઈ ગયો હતો. આ અંગે સરખેજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.