મહારાષ્ટ્ર માટે વિજય રૂપાણી અને ર્નિમલા સિતારમણ કેન્દ્રીય નિરીક્ષક
મુખ્યમંત્રીના નામને મંજૂરી આપવા ભાજપ વિધાયક દળની બેઠક મળશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાને એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો છે. જોકે, ભાજપ, શિવસેના અને NCP વચ્ચેના મહાગઠબંધનમાં હજુ સુધી એ નક્કી નથી થયું કે રાજ્યમાં કયા નેતાને મુખ્યમંત્રી પદ આપવામાં આવશે. જોકે આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ એક મોટું પગલું ભર્યું છે. પાર્ટીએ ર્નિમલા સીતારમણ અને વિજય રૂપાણીને મહારાષ્ટ્ર માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના નામને મંજૂરી આપવા માટે ભાજપ વિધાયક દળની બેઠક થશે. આ બેઠકમાં નાણામંત્રી ર્નિમલા સીતારમણ અને ભાજપના વરિષ્ઠ નેતા વિજય રૂપાણી નિરીક્ષક તરીકે હાજર રહેશે. માનવામાં આવે છે કે આ બેઠકમાં જ કોને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવશે. આ બેઠક માત્ર ભાજપના ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે યોજાવાની છે. બીજેપી સૂત્રોનું કહેવું છે કે ૪ ડિસેમ્બરે બીજેપી વિધાયક દળની બેઠક યોજાશે, જેમાં એક નેતાના નામની દરખાસ્ત કરવામાં આવશે અને ફરીથી તમામ ધારાસભ્યોની મંજૂરી લેવામાં આવશે. હાલમાં ચર્ચા છે કે દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ ભાજપ હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવશે, પરંતુ આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. આ સિવાય આ મુદ્દે કોઈ ખુલીને બોલી રહ્યું નથી.
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ એકનાથ શિંદે આગ્રહ કરી રહ્યા છે કે જાે તેમને સીએમ નહીં બનાવવામાં આવે તો તેમને ગૃહ મંત્રાલય જેવું શક્તિશાળી મંત્રાલય મળવું જોઈએ. શિવસેનાના નજીકના સૂત્રોનું કહેવું છે કે એકનાથ શિંદે લાંબા સમયથી ગૃહમંત્રી બનવા માંગતા હતા. સમગ્ર મહારાષ્ટ્રની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળવાની તેમની ઈચ્છા રહી છે. મુખ્યમંત્રી પછી ગૃહમંત્રી કોઈપણ સરકારમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ હોય છે. એકનાથ શિંદે સીએમ હતા ત્યારે દેવેન્દ્ર ફડણવીસે આ જવાબદારી લીધી છે. હવે જાે બીજેપી સીએમ બને છે તો એકનાથ શિંદે ઇચ્છે છે કે તેઓ ગૃહમંત્રી બને.