મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી રાજકારણમાં ગરમાવો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ૨૦ નવેમ્બરના રોજ યોજાશે ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન આરોપ-પ્રત્યારોપ પણ ચરમસીમાએ છે. જેમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ-RSS વિશે એવી વાત કરી કે હંગામો થઈ ગયો. એટલું જ નહીં ખડગેએ PM મોદી માટે વાંધાજનક ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો. આ નિવેદન પછી સ્વાભાવિક રીતે જ હોબાળો થઈ ગયો છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સાંગલીમાં એક જનસભાનું સંબોધન કરતી વખતે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સેવા સંઘની સરખામણી ઝેરી સાપ સાથે કરતાં કહ્યું હતું કે, આવા ઝેરી સાપને મારી નાખવો જોઈએ. એટલું જ નહીં, પરંતુ ખડગેએ ભાજપ અને RSS ને રાજનૈતિક રૂપે સૌથી ખતરનાક પણ ગણાવ્યા હતા. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ‘દેશમાં જો કોઈ રાજકીય રીતે સૌથી ખતરનાક છે તો તે ભાજપ-RSS છે. આ બંને ઝેર સમાન છે. જો કોઈ વ્યક્તિને સાપ કરડે તો તે મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં ઝેરી સાપને મારી નાખવો જોઈએ.’
વડાપ્રધાન મોદી પર નિશાન સાધતાં ખડગેએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી છે, આ દેશના વડાપ્રધાનને પસંદ કરવાની ચૂંટણી નથી, પરંતુ PM મોદીની સત્તાની ભૂખ હજુ સંતોષાઈ નથી. હવે કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન પર રાજકીય જંગ છેડાઈ ગયો છે.ભાજપ પર કટાક્ષ કરતાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, મહારાષ્ટ્ર ચૂંટણીમાં પ્રચાર કરનારા નેતાઓની સંખ્યા તેના ઉમેદવારોની સંખ્યા કરતાં વધારે છે. PM મોદી સંઘર્ષ સામે ઝઝૂમી રહેલા મણિપુરની મુલાકાત ન લેતા વિદેશ યાત્રા કરવામાં વધુ વ્યસ્ત છે. મણિપુર સળગી રહ્યું છે, લોકો મરી રહ્યા છે, આદિવાસી મહિલાઓનું અપમાન થઈ રહ્યું છે અને મહિલાઓ પર દુષ્કર્મ થાય છે, પરંતુ મોદીજીએ ક્યારેય મણિપુરની મુલાકાત લીધી નથી.
આ દરમિયાન ખડગેએ વધુમાં કહ્યું કે, હું તેમને કહેવા માંગુ છું કે તેઓ પહેલાં તેમના ઘરની સંભાળ રાખે. પહેલાં દેશને મજબૂત બનાવો પછી અન્ય દેશોની મુલાકાતે જાઓ. ભારતના દૃષ્ટિકોણથી, ખડગેએ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયા અને ચીનના રાષ્ટ્રપતિ સાથેની વડાપ્રધાનની બેઠકના પરિણામો પર પણ સવાલો ઉઠાવ્યા હતા. એટલું જ નહીં, કોંગ્રેસ અધ્યક્ષે ઉત્તર પ્રદેશના ઝાંસીની હૉસ્પિટલમાં આગની ઘટનાને લઈને પણ સીએમ યોગી પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે હૉસ્પિટલમાં આગમાં ૧૦ બાળકોના મોત થયા છે. આમ છતાં મહારાષ્ટ્રમાં તેમની જાહેરસભાઓ બંધ થઈ ન હતી.