Last Updated on by Sampurna Samachar
કોંગ્રેસે મજૂરો-ગરીબોને જમીન હક અપાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ‘આપણો દેશ અને આપણું રાજ્ય ખેતીપ્રધાન છે. રાજ્ય અને રાષ્ટ્રની સમૃદ્ધિ છે,ઉન્નતિ છે, જે જીડીપી છે તેમાં ખેડૂત અને ખેતીનું મોટું યોગદાન છે. ખેતીની સાથે ગુજરાતમાં પશુપાલન અને સહકારી પ્રવૃત્તિ સંકળાયેલી છે અને તેના કારણે જે ગ્રામ્ય વિસ્તાર છે ખેડૂત અને પશુપાલકો છે તેમની આર્થિક સમૃદ્ધિમાં એનું એક માધ્યમ છે. આજે ગુજરાતમાં ૫૩ લાખ કરતાં વધારે ખેડૂત ખાતેદારો છે, પરંતુ ૨૦ વર્ષથી રાજ્યમાં રાજ કરતી ભાજપ સરકારની નીતિઓના કારણે ખેતી અને ખેડૂતો બરબાદ થઇ રહ્યા છે. હવે ફરી એકવાર સરકાર આવો ર્નિણય લેવાનું વિચારી રહી છે. હવે ગુજરાતમાં બિન ખેડૂત હોય તે પણ ખેતીની જમીન ખરીદી શકશે. તેના કારણે દૂરોગામી જે અસરો થવાની છે, નુકસાન થવાનું છે. આજે મારે આ વિશે વાત કરવી છે.
અમિત ચાવડાએ ઈતિહાસની વાત છેડતા કહ્યું હતું કે, દેશ જ્યારે આઝાદ થયો દેશમાં મોટાભાગની જમીનો દેશી રજવાડા ગિરાસ્તાર અને ગામધણીના કબજામાં હતી. તે વખતે સામાન્ય ગરીબ લોકો ખાકરીને, એસસી, એસટી, પછાતવર્ગના લોકો એ જમીનમાં મહેનત મજૂરી કરતા હતા. ત્યારબાદ ખેત મજૂરી કરતા હતા. તેમનું જીવન દયનીય હતું. કોંગ્રેસની સરકાર આવી ત્યારે આ ગરીબ, પછાત વર્ગના લોકોને સમૃદ્ધ બનાવવા અને મુખ્યધારામાં લાવવા માટે જમીનના કાયદા લાવ્યા અને તેના કારણે જે જમીન પર ખેતમજૂરી કરતા હતા, ગણોતિયા હતા, ભાગિયા હતા તે લોકોને ખેડે એની જમીનનો કાયદો લાવી તે લોકોને જમીનના માલિકો બનાવ્યા.
આ અંગે વધુ વાત કરતા તેમણે કહ્યું કે, આવી જમીનો મુઠ્ઠીભર લોકો પાસે હતી. એક જ વ્યક્તિ પાસે ખૂબ મોટી જમીન હોય તેના બદલે નાના નાના લોકોને થોડી થોડી જમીન મળે. તેમનું જીવન ધોરણ બદલાઇ તે માટે ૧૯૬૦ માં જમીન કાયદો લાવવામાં આવ્યો, તે પહેલાં પણ જમીનના કાયદા લાવી ખેડૂતોને હક આપવામાં આવ્યો. વધારે જમીન એક વ્યક્તિથી લઇને નાના લોકોને આપી અને તેના લીધે ગ્રામ્ય વિસ્તારના લોકોની સમૃદ્ધિ વધી, જીવન ધોરણ સુધર્યું. એ જ કોંગ્રેસની સરકારે ચિંતા પણ કરી. ખેડૂતોની સમૃદ્ધિ લાંબા સમય સુધી જળવાઇ રહે તે માટે કાયદાકીય અધિકાર આપવામાં આવ્યા.
કોંગ્રેસે ગણોત વહીવટ અને ખેતીની જમીનના કાયદામાં સુધારા કર્યા હતા અને તેથી ગણોતિયાઓને રક્ષણ મળ્યું. આ વાત કરતા તેમણે કહ્યું કે, આ જમીનો વર્ષો સુધી જળવાઇ રહી, એ જમીન સમૃદ્ધ લોકો પચાવી ન પાડે અથવા તો ખરીદી ના લે અને એક જ જગ્યાએ કેન્દ્રીકરણ ન થાય તેની ચિંતા કોંગ્રેસે કરી. ૧૯૫૬માં ખેતીની જમીન ધારણ કરવા માટે આઠ કિલોમીટરની મર્યાદાનો કાયદો લાવવામાં આવ્યો. આઠ કિલોમીટરની મર્યાદામાં જ ખેતીની જમીનની લે-વેચ થઇ શકે અને ખેડૂત હોય એ જ ખેતીની જમીન લઇ શકે. જેથી કરીને ખેતી જળવાઇ રહે અને ઉત્પાદન જળવાઇ રહે. અન્ય સામાન્ય લોકોના જીવન ધોરણને કોઇપણ જાતનું નુકસાન ન થાય. એ કાયદાના કારણે વર્ષો સુધી એટલે કે ૧૯૯૫ થી લઇને ૧૯૯૫ સુધી આ ખેતીની જમીનો જળવાઇ રહી અને ટેક્નોલોજીના કારણે ખેતીનું ઉત્પાદન દિવસે ને દિવસે વધ્યું અને ખેડૂતો પણ સમૃદ્ધ થયા. હાલમાં જે ખેડૂતો સમૃદ્ધ છે તેની પાછળ કોંગ્રેસની નીતિ અને કાયદા જવાબદાર છે.
ભાજપ પર આક્ષેપ કરતા તેમણે કહ્યું કે, જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ઉદ્યોગપતિઓ અને મૂડીપતિઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું. ભાજપ સરકારે ૧૯૯૫માં ફરીથી આ જમીનો વેચાઇ જાય, ફરીથી જમીનો મૂડીપતિઓ પાસે જતી રહે તે રીતે સૌથી પહેલા ૧૯૯૫ માં શરૂઆત કરી. ૮ કિલોમીટરની મર્યાદા હતી તે કાયદો પણ રદ કર્યો અને મર્યાદા હટાવી દેવાઈ. છેવટે ૧૯૯૫ પછી જમીનો વેચવા લાગી, સમૃદ્ધ લોકો પાસે જમીનોનું કેન્દ્રીયકરણ થવા લાગ્યું. મોટા પાયે જમીનો વેચાતા જે ખેડૂતો હતા તે બિન ખેડૂત બની ગયા. એવી જ રીતે, સરકારે નવી શરતની જમીન જૂની શરત કરવાનું બીડું ઉઠાવ્યું. પરિણામે મોટા પાયે જમીનોનું વેચાણ થયું તેના લીધે ખેતીની જમીનો ઘટી અને ખેડૂતો પણ ઘટ્યા. અમિત ચાવડાએ કહ્યું કે, આગામી સમયમાં ખેડૂતો અને ખેતીની જમીનો રહેશે કેમ એ મોટી ચેલેન્જ છે. ખેત ઉત્પાદન દિવસે ને દિવસે ઘટતું જાય છે. ડિસેમ્બર, ૨૦૨૩માં એક કમિટીની રચના કરવામાં આવી જેમાં ફેબ્રુઆરી ૨૦૨૪માં મીણા કમિટીએ રિપોર્ટ સબમિટ કર્યો. આ રિપોર્ટ મુજબ સરકારે ચર્ચા કરી કે હવે ગુજરાતમાં આ કમિટીના રિપોર્ટના આધારે બિન ખેડૂત પણ ખેડૂત બની શકશે એનો સુધારો કરવા સરકાર જઈ રહી છે. સરકારનું પગલું ગુજરાતના ખેડૂતો અને ખેતીને ખતમ કરવાનું આ પગલું છે, હવે પાછી જમીનો મૂડીપતિઓ પાસે જશે જેમની પાસે ગોચરની પણ જમીનો આપી છે. હવે ખેડૂતોની જમીનોનું કેન્દ્રીકરણ થશે.
મહેસૂલ ખાતા પર આક્ષેપ કરતાં અમિત ચાવડાએ જણાવ્યું કે ‘ગુજરાત સરકારમાં સૌથી ભ્રષ્ટ ખાતું મહેસૂલ ખાતું છે જેમાં બિન ખેડૂતોને ખેડૂત બનાવી દેવાનું કૌભાંડ ચાલુ રહ્યું છે પણ હવે સરકાર જ કાયદો લાવી રહી છે જેથી ખેડૂતો ઘટશે અને ખેતીનું ઉત્પાદન ઘટશે અને ફરી પાછા એસસી, એસટી, ઓબીસી સમાજના લોકો મજૂરો બનશે.’
તેમણે કહ્યું કે કોંગ્રેસની ચેતવણી છે કે ‘સરકાર આ કાયદો લાવવા પહેલા ચર્ચા કરે, રાજકીય પક્ષો સાથે પણ પરામર્શ કરે કારણ કે ખેડૂત સંગઠનો આનો વિરોધ કરી રહ્યા છે. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે અમે આવા ર્નિણયનો કોંગ્રેસ સડકથી લઈ વિધાનસભા સુધી વિરોધ કરશે અને અમારો વિરોધ પણ છે અને ચેતવણી પણ છે.’