પશ્ચિમી વિસ્તારમાં પંજાબી ગાયકોના છે ઘણા મકાન
પોલીસ વાહન પર પણ ગોળીઓ વાગી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેનેડાની રાજધાની ટોરોન્ટોમાં તાબડતોડ ફાયરિંગ થયું. ઘટના ટોરોન્ટોના પશ્ચિમી વિસ્તારની છે. એક રેકોર્ડિંગ સ્ટુડિયોની બહાર લગભગ ૧૦૦ રાઉન્ડ ફાયરિંગ થયું છે. ઘટના બાદ પોલીસે ૨૩ લોકોની ધરપકડ કરી લીધી. રાહતની વાત એ રહી કે હિંસર ફાયરિંગમાં કોઈ પણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ નથી. ખાસ વાત છે કે જે વિસ્તારમાં ફાયરિંગ થયું છે. ત્યાં ઘણા પંજાબી સિંગરોના ઘર છે. ત્યાં ઘણા સ્ટુડિયો પણ બનેલા છે.
ઉપ પ્રમુખ લૉરેન પોગે જણાવ્યું કે ત્રણ લોકો ઘટના સ્થળે એક ચોરીની ગાડીમાં આવ્યા હતા. ચોરીની ગાડી સીધી રેકોર્ડિંગ સ્ટુડિયોની બહાર રોકાઈ, ત્રણેય લોકો કારથી બહાર નીકળ્યા અને સ્ટુડિયોની બહાર તાબડતોડ ફાયરિંગ કરવા લાગ્યા. ફાયરિંગ દરમિયાન એક પોલીસ વાહન પર પણ ગોળીઓ વાગી છે.
ફાયરિંગ દરમિયાન તે ભાગવા લાગ્યા. પોલીસે પણ તેમનો પીછો કર્યો અને તેમની ગાડીને ઘેરી લીધી. તે બાદ તે ત્રણેય ભાગવા લાગ્યા, જેથી પોલીસે તેમને પકડી લીધા. ધરપકડ બાદ પોલીસે વિસ્તારની તપાસ કરી અને ઘણા હથિયાર જપ્ત કરવામાં આવ્યા. હુમલાખોરોએ છત અને કચરાપેટીમાં હથિયાર સંતાડ્યા હતા. જેમને પોલીસે જપ્ત કરી લીધા. કુલ ૧૬ હથિયાર પોલીસે જપ્ત કર્યા છે. જેમાં બે અસોલ્ટ રાઈફલ અને ઘણી હેન્ડગન સામેલ છે. પોલીસે રેકોર્ડિંગ સ્ટુડિયોની અંદરથી પણ ઘણા લોકોની ધરપકડ કરી. ઘટના સ્થળની પાસે એક બિલ્ડિંગમાં રહેતી એલિયા વિબેએ જણાવ્યું કે ‘હું ફાયરિંગ સમયે પથારીમાં હતી. સૌથી પહેલા ફાયરિંગના ૧૫ અવાજ સંભળાયા તો મને લાગ્યું કે આ આતિશબાજીનો અવાજ છે. બાદમાં હું બાલકનીમાં આવી તો ખબર પડી કે આ તો ફાયરિંગનો અવાજ છે.’
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પંજાબી સિંગર એપી ઢિલ્લોના ઘરે પણ ફાયરિંગ થયુ હતુ. કેનેડાના વેનકુવરમાં સ્થિત તેના ઘરની સામે તાબડતોડ ફાયરિંગનો વીડિયો સામે આવ્યો હતો. ફેમસ સિંગર ગિપ્પી ગ્રેવાલના ઘરે પણ ફાયરિંગ થઈ ચૂક્યું છે.