એકાઉન્ટન્ટે કંપનીમાંથી કરોડોની કરી ઉચાપત
કંપનીએ ના ખરીદી હોય તેવી વસ્તુઓના બિલો બનાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાંથી ફરી એક ઠગબાજ ઝડપાયો છે. દરિયાપુરના રહેવાસી ઈરફાન શેખે વેપારીની હિસાબમાં ઓછી સમજનો ફાયદો ઉઠાવી કરોડો રુપિયાની ઉચાપત કરી છે. આરોપી વર્ષ ૨૦૦૮થી ઓસીયન વોશ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. જાે કે કંપનીના માલિકને એકાઉન્ટમાં ઓછી સમજ હોવાથી તેનો ગેરફાયદો ઉઠાવ્યો હતો.
આરોપીએ કંપનીમાંથી ૩ કરોડ ૭૭ લાખની ઉચાપત કરીને વિવિધ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. જે અંગેની ઓડિટ થતા એકાઉન્ટે કરેલી કરતૂત સામે આવી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેણે ઉચાપત માટે ૨ અલગ-અલગ કંપનીઓ પોતાની પત્નીના નામે ખોલી હતી. આરોપી આ કંપનીના ખાતામાં તથા પોતાના સંબંધીઓના ખાતામાં ૩ કરોડ ૭૭ લાખ ટ્રાન્સફર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે કંપનીમાં રૂપિયાના હિસાબમાં ગોટાળો હોવાનું ધ્યાને આવતા વેપારીએ ખાનગી ઓડિટર પાસે હિસાબોની ઓડિટ કરાવી હતી. જેમાં કંપનીએ ના ખરીદી હોય તેવી વસ્તુઓના બિલો બન્યા હતા. જેથી ખોટી રીતે નાણાકીય હેરફેર કરી હોવાનું સામે આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. હાલમાં પોલીસે એકાઉન્ટન્ટ અને તેની પત્ની નાઝિયાબાનુ શેખ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. જોકે તેની પત્ની વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા બાદ તેમજ ઉચાપતના રૂપિયા ક્યાં કોને આપ્યા તે અંગેની તપાસ બાદ ધરપકડ કરાશે.