ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા લીલી ઝંડી મળી
દેશની સૌથી શક્તિશાળી મહિલાની મહાકાવ્ય ગાથા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કંગના રણૌતની મચ-અવેટેડ ફિલ્મ ઈમરજન્સીને ફાઈનલી તેની રિલીઝ ડેટ મળી ગઈ છે. ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. હવે કંગનાએ ચાહકોની આતુરતાનો અંત લાવતા ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. એક્ટ્રેસે જણાવ્યું કે, ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા લીલી ઝંડી મળી ગઈ છે અને હવે આ ફિલ્મ આગામી વર્ષે ૧૭ જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.
કંગનાએ રિલીઝ ડેટની જાહેરાત પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા કરી છે અને જણાવ્યું કે, ફિલ્મની રિલીઝ ડેટ આવી ગઈ છે. ૧૭ જાન્યુઆરી ૨૦૨૫ – દેશની સૌથી શક્તિશાળી મહિલાની મહાકાવ્ય ગાથા અને તે ક્ષણ જેણે ભારતનું ભાગ્ય બદલી નાખ્યું. માત્ર સિનેમામાં ઈમરજન્સી પરથી પડદો હટશે.
એક્ટ્રેસે આ સાથે જ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફોટો પણ અપડેટ કર્યો છે, જ્યાં તે શુભારંભ કરતી નજર આવી રહી છે. ઈમરજન્સીના સેટ પરથી લેવામાં આવેલ આ તસવીરમાં કંગના હાથ જોડીને પ્રણામ કરતી દેખાઈ રહી છે. બાકીના ક્રૂ પણ તેની સાથે પ્રણામ કરતા નજર આવી રહ્યા છે. કંગનાની આ જાહેરાતથી ફેન્સનું એક્સાઈટમેન્ટ લેવલ હાઈ થઈ ગયું છે. કંગનાના હોમ પ્રોડક્શન બેનર મણિકર્ણિકા ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મના નિર્દેશનની જવાબદારી પણ અભિનેત્રીએ પોતે જ લીધી છે. તેના માટે પ્રોજેક્ટનું સફળ થવું કેટલું જરૂરી છે તે કોઈનાથી છુપાયેલ નથી. ફિલ્મની રિલીઝ ડેટ સતત મુલતવી રાખવાથી કંગના લાંબા સમયથી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આખરે હવે તેનો રસ્તો સાફ થતો નજર આવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, ફિલ્મ ઈમરજન્સી પહેલા ૧૪ જૂન, ૨૦૨૪ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ કંગનાના રાજકીય પ્રચાર અભિયાનને કારણે તેણે તેને ટાળી દેવી પડી હતી. ત્યારબાદ તેની રિલીઝ ડેટ ૬ સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી, પરંતુ આ વખતે ફિલ્મ પર ઉઠાવવામાં આવેલા અનેક ઓબ્જેક્શને તેના પ્રોજેક્શન પર ગ્રહણ લગાવી દીધું. કારણ કે આ ફિલ્મ ઈન્દિરા ગાંધી અને દેશમાં લાગેલી ઈમરજન્સીની સ્ટોરી પર આધારિત છે, તેના પર તમામ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
ફિલ્મ લાંબા સમય સુધી વિવાદોમાં ફસાયેલી રહી અને સેન્સર બોર્ડમાં જ અટકી રહી હતી. ફિલ્મ વિરુદ્ધ શીખ સંગઠનોના વિરોધ બાદ ફિલ્મની રિલીઝ પોસ્ટપોન કરી દેવામાં આવી હતી. શીખોનો આરોપ હતો કે ફિલ્મે તેમના સમાજની ખોટી છબી રજૂ કરી છે. ફિલ્મનું ટ્રેલર ૧૪ ઓગસ્ટના રોજ બહાર આવ્યું હતું, ત્યારથી ફિલ્મને લઈને વિવાદ ઉભો થયો હતો. પંજાબમાં ફિલ્મના વિરોધમાં દેખાવો થયા હતા અને તેના પર પ્રતિબંધ લગાવવાની માગ કરવામાં આવી હતી.