Last Updated on by Sampurna Samachar
દ્વારકાના ઓખામાંથી પાકિસ્તાન માટે કામ કરતો જાસૂસ પકડાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત ATS એ ફરી એક વખત ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. પાકિસ્તાન માટે જાસૂસી કરતો ભારતીય દેવભૂમિ દ્વારકાના ઓખામાંથી ઝડપાયો છે. જે ખાનગી નોકરીના આડમાં સંવેદનશીલ માહિતી અને ફોટો પાડીને સરહદ પાર મોકલતો હતો. દેવભૂમિ દ્વારકાના ઓખામાં ગુજરાત ATS એ સફળ ઓપરેશન પાર પાડ્યું છે.
મળતી વિગતો અનુસાર પાકિસ્તાન માટે જાસૂસી કરતા એક ભારતીયને શખ્સને ગુજરાત આતંકવાદ વિરોધી દળે ઝડપી પાડ્યો છે. દેવભૂમિ દ્વારકાના ઓખામાં કોસ્ટગાર્ડની અતિ સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને મોકલવાનો આરોપ છે. ખાનગી કંપનીમાં કામ કરતો દીપેશ ગોહેલ નામનો યુવક કોસ્ટગાર્ડના શિપની મુવમેન્ટની માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતો. દિનેશ ગોહિલ નામનો દેશનો દુશ્મન જાસૂસ પકડાયો છે. આ યુવકે ખાનગી કંપનીમાં નોકરીની આડમાં સંવેદનશીલ ફોટો પાડી પાકિસ્તાન મોકલ્યાનો ખુલાસો થયો છે. દિનેશ ગોહિલ સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો.
તપાસમાં સામે આવ્યું કે, સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી ભારતીય સુરક્ષાને હાની પહોંચાડે તેવા ફોટોગ્રાફ્સ પાકિસ્તાન મોકલ્યા હતા. પૂછપરછ દરમિયાન કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સીમાના ફોટોગ્રાફ્સ પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિને મોકલ્યા હોવાનું સામે ખૂલ્યું છે. આ સમગ્ર મામલે ગુજરાત ATS એ દિનેશ જ્યાં નોકરી કરતો હતો તે કંપનીના કેટલાક લોકોની પૂછપરછ કરી છે અને તેની સાથે સંપર્કમાં હોય તેની પણ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે આ પહેલા આજ પ્રકારે કોસ્ટગાર્ડની માહિતી પાકિસ્તાન પહોંચાડતા યુવકને ઝડપ્યો હતો. ભારતમાં ઘુસાડાતા ડ્રગ મામલે સઘન અભિયાનમાં કોસ્ટગાર્ડની સક્રિયતા વધતા પાકિસ્તાન પરેશાન થયું છે.