Last Updated on by Sampurna Samachar
ગોડાદરામાં હોસ્પિટલના ત્રીજા માળેથી એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો
ફાયર બ્રિગેડના જવાનોએ જીવના જોખમે દિલધડક રેસ્ક્યુ કરી યુવકને બચાવ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડાયમંડ સિટી સુરતના ગોડાદરા વિસ્તારમાં આજે એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે.અહીંની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીએ ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. જો કે, ફાયર બ્રિગેડની સતર્કતા અને ‘દિલધડક‘ રેસ્ક્યુ ઓપરેશનને કારણે યુવકનો જીવ બચી ગયો છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, ગોડાદરાની એક હોસ્પિટલમાં દાખલ યુવક અચાનક હોસ્પિટલની ગેલેરીનાભાગે ચઢી ગયો હતો. તે ત્યાંથી નીચે કૂદવાની તૈયારી કરી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈ આસપાસના લોકો અને હોસ્પિટલ સ્ટાફના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. તુરંત જ આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
અત્યંત સાવધાની પૂર્વક તેને પકડી લેવા માટેની જાળ બિછાવી હતી
ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. યુવક ખૂબ જ ગભરાયેલો અને આવેશમાં હતો. ફાયરના જવાનોએ તેને મન મનાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જવાનો તેને સતત આશ્વાસન આપતા રહ્યાકે, તને અમે બચાવી લઈશું, તને કઈ જ નહીં થવા દઈએ. એક તરફ જવાનો તેને વાતોમાં પરોવી રહ્યા હતા અનેબીજી તરફ અન્ય જવાનોએ અત્યંત સાવધાની પૂર્વક તેને પકડી લેવા માટેની જાળ બિછાવી હતી.
અંતે, પોતાની જાનની પરવા કર્યા વગર ફાયરના જવાનોએ યુવકને સુરક્ષિત રીતે પકડી લીધો હતો અને નીચેઉતાર્યો હતો. આ સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં ફાયર વિભાગની કામગીરીના ચોમેર વખાણ થઈ રહ્યા છે. હાલ યુવકની હાલત સ્થિર છે અને તેણે આવું પગલું કેમ ભર્યું તે અંગેપોલીસ વધુ તપાસ કરી રહી છે.