ગેરકાયદે રીતે લગાવાયેલા હોડિગ્સ ઉતારવાની કામગીરી માટે ગઈ હતી ટીમ
પોલીસે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આણંદ જિલ્લામાં આવેલ ઉમરેઠ નગરપાલિકામાં મહિલા ચીફ ઓફિસર અને કર્મચારીઓ ઉપર કેટલાક શખસોએ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે.
ઉમરેઠમાં સરકારી જગ્યામાં મંજૂરી વિના ગેરકાયદે રીતે લગાવાયેલા હોડિગ્સ ઉતારવા ગયેલી પાલિકાની ટીમ સામે કેટલાક શખસોએ બોલાચાલી કરી હતી. જે બાદ આ મામલો ઉગ્ર બનતાં એક શખસે પાલિકના મહિલા ચીફ ઓફિસર ભારતીબેન સોમાણીને લાફો માર્યો હતો. હાલ આ મામલે પોલીસે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉમરેઠ નગરપાલિકાના ચીફ ઓફિસર ભારતીબેન સોમાણીએ જણાવ્યું હતું કે,ઉમરેઠ નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન જાગનાથ ભાગોળ ગેટ નજીક નગરપાલીકાની હદમાં ગેરકાયદે રીતે લગાવેલા હોડિગ્સ લાગેલા હતા. તેને દૂર કરવાની કામગીરી કરતા કેટલા શખસોએ પાલિકાની ટીમ સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન જાઈદ પઠાણે મને લાફો માર્યો હતો. જ્યારે મુસ્તાક મહેમુદમિયા બેલીમે પાલિકાકર્મી નીતિન પટેલને ત્રણથી ચાર લાફા માર્યા હતા.
તેમણે કહ્યું હતું કે જાે અમારા લગાવેલ બોર્ડ ઉતારશો તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકીઓ આપીને ભાગી ગયાં હતાં.’ ચીફ ઓફિસર ભારતીબેન સોમાણીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ઉમરેઠ પોલીસે જાઈદ પઠાણ, મુસ્તાક મહેમુદમિયા બેલીમ, તોફિક પઠાણ, જુનેદ ચકલાસી અને ફરીદખાન પઠાણ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.