સિટી પેલેસના મેનેજમેન્ટે પેલેસમાં પ્રવેશતા અટકાવતા મામલો ગરમાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉદયપુરમાં સિટી પેલેસની બહાર ભાજપ ધારાસભ્ય અને પૂર્વ રાજવી પરિવારના સભ્ય વિશ્વરાજ સિંહ અને તેમના સમર્થકો સાથે ઘર્ષણ થયું હતું. સિટી પેલેસના મેનેજમેન્ટે તેમને પેલેસમાં પ્રવેશતા અટકાવ્યા ત્યારે મામલો ગરમાયો હતો. સિટી પેલેસનું સંચાલન તેમના કાકા અને ઉદયપુરના રાજવી પરિવારના વડા શ્રીજી અરવિંદ સિંહ મેવાડના હાથમાં છે. વિવાદ મહેલ અને મંદિર અને પરંપરાગત શાહી ધાર્મિક વિધિઓ પરના અધિકારોને લઈને છે. આવો જાણીએ આ વિવાદ સાથે જોડાયેલી મહત્વની વાતો
મળતી માહિતી મુજબ ચિત્તોડગઢ કિલ્લામાં શાહી પરિવારના વડા તરીકે તેમની ઔપચારિક નિમણૂક કરવામાં આવી હતી. તેમના પિતા મહેન્દ્ર સિંહ મેવાડનું તાજેતરમાં નિધન થયું હતું.આ ઘટના બાદ તે પોતાના પારિવારિક દેવતા એકલિંગનાથ મંદિર અને ઉદયપુરના સિટી પેલેસમાં ધાર્મિક વિધિ કરવા માટે પહોંચ્યા હતા.
જ્યાં સિટી પેલેસમાં અરવિંદ સિંહ મેવાડે વિશ્વરાજ સિંહને મંદિર અને મહેલમાં જતા રોકવા માટે કાનૂની નોટિસ જારી કરી હતી. ટ્રસ્ટે રવિવારે જાહેર નોટિસ જારી કરીને કહ્યું કે સુરક્ષાના કારણોસર કોઈ પણ અનધિકૃત વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં. જેથી ગુસ્સે થયેલા સમર્થકોએ હંગામો મચાવ્યો.
સિટી પેલેસના ગેટ સુધી પહોંચેલા સમર્થકોએ બેરિકેડ તોડી અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. અને પેલેસની સુરક્ષા માટે તૈનાત કર્મચારીઓ અને સમર્થકો વચ્ચે પથ્થરમારો થયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ભારે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
તેમજ અથડામણ વધી જતાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. જેમાં ઉદયપુરના SP યોગેશ ગોયલ અને જિલ્લા મેજિસ્ટ્રેટ અરવિંદ પોસવાલે બંને પક્ષકારો સાથે વાત કરી હતી. જોકે મામલો ઉકેલાયો ન હતો અને તણાવ યથાવત રહ્યો હતો. સિટી પેલેસ અને એકલિંગનાથ મંદિરનું સંચાલન અરવિંદ સિંહના હાથમાં છે. અરવિંદ સિંહ મેવાડે દાવો કર્યો હતો કે વિશ્વરાજ સિંહ ટ્રસ્ટના સભ્ય નથી અને તેમની એન્ટ્રી નિયમો વિરુદ્ધ છે.
વિશ્વરાજ સિંહે શાહી પરંપરાઓ અને ધાર્મિક વિધિઓને રોકવાને અયોગ્ય માન્યું. તે કહે છે કે આ પારિવારિક પરંપરાઓનો એક ભાગ છે, જેને કોઈ રોકી શકતું નથી. ત્યારે ઉદયપુર પોલીસે ટિ્વટર પર માહિતી આપી હતી કે “સ્થિતિ નિયંત્રણમાં છે અને પોલીસ દળો તૈનાત છે.”આ કેસ શાહી પરિવારના આંતરિક વિવાદ અને પરંપરાગત અધિકારોના સંઘર્ષનું પ્રતીક બની ગયો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા અને વિવાદના ઉકેલ માટે પોલીસ અને વહીવટીતંત્રે આ મામલે કડક પગલાં લેવાની જરૂર છે.