Last Updated on by Sampurna Samachar
બાંગ્લાદેશમાં રાજદ્રોહના કેસમાં થઈ કાર્યવાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાંગ્લાદેશ પોલીસે ઈસ્કોનના પૂજારી અને હિન્દુ નેતા ચિન્મય કૃષ્ણ દાસને ઢાકા એરપોર્ટ પર અટકાયત કરી છે, જ્યારે હિન્દુ સંગઠનોનો દાવો છે કે ચિન્મય દાસની ધરપકડ કરી છે. કહેવાય છે કે ચિન્મય કૃષ્ણ દાસ વિરુદ્ધ રાજદ્રોહના કેસમાં કાર્યવાહી થઈ છે. મોહમ્મદ યૂનુસની આગેવાનીમાં બનેલી વચગાળાની સરકાર નથી ઈચ્છતી કે ચિન્મય દાસ દેશની બહાર જાય અને આ જ કારણ છે કે જેવા એરપોર્ટ પર તે પહોંચ્યા કે તેમની પોલીસે ધરપકડ કરી લીધી.
ઓક્ટોબરના અંતમાં બાંગ્લાદેશ સરકારે ચિન્મય કૃષ્ણ દાસ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધાવ્યો હતો. હકીકતમાં તેમની આગેવાનીમાં ચટગાંવમાં એક રેલી થઈ હતી, જેમાં ભારે સંખ્યામાં હિન્દુઓ એકઠા થયા હતા. તેનાથી મોહમ્મદ યૂનુસની સરકાર ગુસ્સામાં હતી.
ચિન્મય પર આરોપ લાગ્યો હતો કે તેમણે આ રેલીમાં દેશની સંપ્રભુતા અને અખંડિતાને તોડવાની કોશિશ કરતા બાંગ્લાદેશના રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કર્યું છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને હિંસાને લઈને ચિન્મય દાસ હંમેશાથી પોતાનો અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમણે થોડા દિવસ પહેલા જ હિન્દુઓના સમર્થનમાં રેલી કાઢી હતી.
પોલીસમાં ચિન્મય કૃષ્ણ દાસ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ અનુસાર, ચટગાંવના ન્યૂ માર્કેટ ચોક પર છાત્રો સરકાર વિરોધી પ્રદર્શન કરી રહ્યા હતા, આ દરમ્યાન ઈસ્કોન ગ્રુપે બાંગ્લાદેશના રાષ્ટ્રીય ધ્વજ પર એક ધાર્મિક ઝંડો ફરકાવી દીધો. ફરિયાદમાં કહેવાયું છે કે, ઈસ્કોનના ધાર્મિક ઝંડાને દેશના રાષ્ટ્રીય ધ્વજ પર આ રીતે ફરકાવવાથી દેશની અખંડિતાને તોડવા સમાન માનવામાં આવે છે.