પર્થ ટેસ્ટ પહેલા ઈજાગ્રસ્ત થયેલ બેટ્સમેન કે એલ રાહુલ હવે સ્વસ્થ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૫ ટેસ્ટ મેચની સિરીઝ ૨૨ નવેમ્બરથી શરૂ થશે. આ પહેલા પણ ટીમ ઈન્ડિયામાં સતત ટેન્સનના ઘણા અહેવાલો સામે આવ્યા છે. સ્ટાર બેટ્સમેન શુભમન ગિલના અંગૂઠામાં ઈજા થઈ છે અને તેના માટે પ્રથમ મેચમાં રમવું મુશ્કેલ છે. જ્યારે કેપ્ટન રોહિત શર્મા પ્રથમ મેચ નહીં રમે. તેમની પત્ની રિતિકાએ એક પુત્રને જન્મ આપ્યો છે. બે મહત્વના ખેલાડીઓની ગેરહાજરીને કારણે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં છે. આ દરમિયાન સમાચાર આવ્યા કે અનુભવી બેટ્સમેન કેએલ રાહુલ પણ ઈજાગ્રસ્ત થયો છે. આનાથી ટીમ મેનેજમેન્ટ પરેશાન થયું.
હવે પર્થથી એક સારા સમાચાર આવ્યા છે કે રાહુલ ફિટ થઈ ગયો છે. તે રવિવારે પ્રેક્ટિસ ફિલ્ડમાં આવ્યો હતો. તેમણે નેટમાં ઘણો સમય વિતાવ્યો છે. બે દિવસ પહેલા કોણીમાં ઈજાગ્રસ્ત થયેલ રાહુલે ફરી બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી છે. કેએલ રાહુલ પર્થમાં અભિમન્યુ ઇશ્વરન સાથે સતત પ્રક્ટિસ કરી રહ્યો છે. તેમાંથી કોઈપણ પ્રથમ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરી શકે છે.
ઈન્ટ્રા-સ્કવાડ મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે શુભમન ગિલ ઈજાગ્રસ્ત થયો હતો. તેને તરત જ મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો અને તપાસ બાદ જાણવા મળ્યું હતું કે તેના ડાબા અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું. સામાન્ય રીતે અંગૂઠાના ફ્રેક્ચરને સાજા થવામાં લગભગ ૧૪ દિવસનો સમય લાગે છે. આ પછી ખેલાડી ફરીથી નેટ પ્રેક્ટિસ શરૂ કરી શકે છે. એડિલેડમાં બીજી ટેસ્ટ ૬ ડિસેમ્બરથી શરૂ થઈ રહી હોવાથી ગિલ તે મેચ માટે સમયસર ફિટ થઈ જાય તેવી શક્યતા છે.