ઈરાન અને તેના પ્રોક્સી ‘ભારે કિંમત ચૂકવશે ‘ : ઈઝરાયેલ
ઈઝરાયેલના PM નેતન્યાહૂના ઘર પર એક મહિનામાં બીજીવાર હુમલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈઝરાયેલના PM બેન્જામીન નેતન્યાહૂએ જે પ્રકારે ગાઝા, લેબનોનમાં કહેર વર્તાવ્યો છે ત્યારબાદ ઈઝરાયેલના દુશ્મનો બરાબર ધૂંધવાયા છે. નેતન્યાહૂ જોડે કોઈ પણ કિંમતે બદલો લેવા માંગે છે.
ઈઝરાયેલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ નેતન્યાહૂને નુકસાન પહોંચાડવા માટે ઉત્તરી ઈઝરાયેલના શહેર કૈસરિયામાં ઈઝરાયેલી PM બેન્જામીન નેતન્યાહૂના ઘર પર બે ફ્લેશ બોમ્બ છોડવામાં આવ્યા. જે બગીચામાં પડ્યા. તેની જાણકારી પોલીસે શનિવારે આપી. એક નિવેદનમાં કહેવાયું કે PM નેતન્યાહૂ કે તેમના પરિવારમાંથી કોઈ હુમલા સમયે ત્યાં હાજર નહતા અને કોઈ નુકસાનના સમાચાર નથી. આવું બીજીવાર બન્યું કે જ્યારે બેન્જામીન નેતન્યાહૂના ઘર પર હુમલો થયો.
હુમલા અંગે ઈઝરાયેલના રક્ષામંત્રી કાટ્ઝે કહ્યું કે ઘટનાએ તમામ રેખાઓ પાર કરી છે. આ સાથે જ કાટ્ઝે સુરક્ષા દળોને જરૂરી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
હુમલા અંગે ઈઝરાયેલના રાષ્ટ્રપતિએ પણ એક્સ પર એક પોસ્ટમાં ઘટનાની ટીકા કરી અને કહ્યું કે તપાસ ચાલુ છે. સુરક્ષામંત્રી ઈટમાર બેન ગ્વીરે કહ્યું કે PM બેન્જામીન નેતન્યાહૂ વિરુદ્ધ ઉશ્કેરણીની કાર્યવાહીની તમામ સીમાઓ પાર કરી ગઈ છે. તેમના ઘર પર બોમ્બ ફેંકવા એ લાલ રેખા પાર કરવા જેવું છે. ઓક્ટોબરમાં પણ કૈસરિયામાં જ PM ના ઘર તરફ એક ડ્રોન લોન્ચ કરાયું હતું. પરંતુ તેનાથી કોઈ નુકસાન થયું નહતું. તેમના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે તે સમયે ન તો નેતન્યાહૂ કે તેમના પત્ની આ ઘરમાં હતા. હુમલાના ગણતરીના કલાકો બાદ PM નેતન્યાહૂએ એક નિવેદનમાં કહ્યું કે, ઈરાનના પ્રોક્સી હિજબુલ્લાહ દ્વારા મારી અને મારી પત્નીની હત્યાનો એક પ્રયત્ન એક ગંભીર ભૂલ કરી. આ મને કે ઈઝરાયેલને અમારા ભવિષ્યને સુરક્ષિત કરવા માટે અમારા દુશ્મનો વિરુદ્ધ અમારા ન્યાયપૂર્ણ યુદ્ધને ચાલુ રાખતા રોકી શકશે નહીં. તેમણે કસમ ખાધી કે ઈરાન અને તેના પ્રોક્સી ‘ભારે કિંમત ચૂકવશે.’