ટ્રક અને લક્ઝરી બસના અકસ્માતમાં ત્રણના કરુણ મોત
(સંપૂર્ણ સમાચાર સેવા)
તારાપુર-ધર્મજ હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને ૧૫ થી વધુ લોકો ઘાયલ થયા હતા.
આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને ૧૫ થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઓવરટેકિંગના કારણે અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. મૃતકોની ઓળખ ધ્રુવ રૂડાણી, મનસુખભાઈ કોરાટ અને કલ્પેશ જીયાણી તરીકે થઇ છે, જેમાં એક ભરુચ અને બે રાજકોટના રહેવાસી છેઆ અંગે મળતી માહિતી અનુસાર, રાજકોટથી સુરત જઈ રહેલી લક્ઝરી બસ આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર વડલા પાટિયા નજીકથી પસાર થઈ રહી હતી.
દરમિયાન આ લક્ઝરી બસનો ચાલક આગળ જઈ રહેલી ટ્રકને ઓવરટેક કરવા જઈ રહ્યો હતો ત્યારે લક્ઝરી બસ આ ટ્રકના પાછળના ભાગે અથડાઈ હતી. આ અકસ્માતમાં લક્ઝરી બસમાં સવાર ૩ મુસાફરોને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ૧૫ થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરી બસ પણ પલટી ગઈ હતી.
ઘટનાને પગલે એમ્બ્યુલન્સ ઉપરાંત હાઈવે પેટ્રોલિંગ અને પેટલાદ રૂરલ પોલીસની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. બીજી બાજુ ત્રણેય મૃતદેહોને પી.એમ અર્થે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.
મૃતકોના નામ
ધ્રુવ ભીમજીભાઇ રૂડાણી
મનસુખભાઈ રૂડાભાઈ કોરાટ
કલ્પેશભાઇ વેલજીભાઇ જિયાણી