Last Updated on by Sampurna Samachar
ગાંધીનગરના કિશન શેઠ નામના યુવકે મહિલાને મોતને ઘટ ઉતારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના ન્યુજર્સીના ઉપનગર પેરામાસમાં એક ગુજરાતી યુવકે મૂળ ગુજરાતની મહિલા મકાન માલિકને છરીના ઘા મારીને લૂંટી લીધી હતી. પરમાસમાં મૂળ વડોદરાના રીટાબેન આચાર્યના મકાનમાં ગાંધીનગરનો કિશન શેઠ નામનો યુવક ભાડેથી રહેતો હતો. મૃતક મહિલાની હત્યા કર્યા બાદ તેણે તેની કાર અને ડેબિટ કાર્ડની ચોરી કરી હતી.
રીટાબેન આચાર્યની હત્યા કર્યા બાદ ગાંધીનગરના એક યુવકે તેમનું ડેબિટ કાર્ડ અને કાર ચોરી લીધી હતી. કિશન શેઠે ડેબિટ કાર્ડ દ્વારા ૪૫૦૦ ડોલર ઉપાડી લીધા હતા. જે બાદ તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પોલીસે તેને પકડી લીધો હતો.
આ ઘટનાથી અમેરિકામાં રહેતા ગુજરાતી પરિવારોમાં ખળભળાટ મચી ગયો છે.રીટાબેન આચાર્યના નિધનથી વડોદરા, રાજકોટ અને મુંબઈમાં રહેતા તેમના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. હત્યારો કિશન શેઠ અગાઉ પણ ચોરી કરતા પકડાયો હતો. કિશન શેઠ દોઢ વર્ષ પહેલા રીટાબેન આચાર્યના મકાનમાં ભાડે રહેવા આવ્યો હતો. તે સમયે તેણે રીટાબેનના ઘરમાંથી ચોરી કરી હતી.
રીટાબેન આચાર્યના ભત્રીજા હર્ષ દવેએ જણાવ્યું કે આ અંગેની માહિતી મળતા રીટાબેને કિશન શેઠને ઘરમાંથી કાઢી મુક્યો હતો. ૭૪ વર્ષીય રીટાબેન તેમના ઘરમાં પલંગ પર મૃત હાલતમાં મળી આવ્યા હતા. ખરેખર, ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પોલીસ વેલફેર ચેક કરવા રીટાબેનના ઘરે પહોંચી. ઘરમાંથી કોઈ જવાબ ન મળતાં પોલીસે ઘરમાં ઘૂસીને તપાસ કરી હતી. તે સમયે રીટાબેન આચાર્ય લોહીથી લથપથ હાલતમાં પલંગ પર મૃત હાલતમાં મળી આવ્યા હતા.
CCTV કેમેરા અને ઘરમાંથી મળેલા કેટલાક પુરાવાના આધારે પોલીસે કિશન શેઠની ધરપકડ કરી હતી. કિશન શેઠ ન્યૂ જર્સી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીનો વિદ્યાર્થી છે , ઘટનાની જાણ થયા પછી, ન્યુ જર્સી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે તાજેતરમાં કિશન સેઠ સાથે સંકળાયેલી ખૂબ જ ગંભીર પરિસ્થિતિથી વાકેફ થયા હતા. તેની ધરપકડ કરવામાં આવી છે અને બર્ગન કાઉન્ટીમાં હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે.