ગુજરાત પોલીસના યુનિફોર્મ સાથે નેમપ્લેટ રાખીને બજારમાં ફરતો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં નકલી પોલીસ અધિકારી, જજ, કોર્ટ સહિત નકલીની ભરમાર વચ્ચે અમરેલી જિલ્લામાં નકલી પોલીસકર્મી ઝડપાયો છે. અમરેલીના બસ સ્ટેશન વિસ્તારોમાં ગુજરાત પોલીસનો યુનિફોર્મ પહેરીને ફરતા શખસને એલસીબીએ ઝડપી પાડ્યો. સમગ્ર મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી કોઈ સાથે છેતરપિંડી થઈ કે નહી તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે જિલ્લામાં નકલી પોલીસકર્મીની ઘટનાને લઈ જિલ્લા પોલીસ વડા પણ ચોંકી ઉઠ્યા હતા.
અમરેલીના બસ સ્ટેશન વિસ્તારમાં ગુજરાત પોલીસના યુનિફોર્મ સાથે નેમપ્લેટ રાખીને એક શખસ આંટાફેરા મારી રહ્યો હતા, ત્યારે એલસીબી પોલીસને શંકા જતા પોલીસનો યુનિફોર્મ પહેરીને ફરતાં શખસની પૂછપરછ કરી હતી. જેમાં શખસ પોલીસ ન હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી LCB દ્વારા શખસની ધરપકડ કરીને લેવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે, શહેરમાં નકલી પોલીસ બનીને ફરતો શખસ ઉમેશ રાહુલભાઈ વસાવા (ઉં.વ.૩૧) તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ચિતપુર ગામનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. એલસીબી દ્વારા ઝડપી પાડેલા નકલી પોલીસકર્મી પાસેથી યુનિફોર્મ, કેપ, બેલ્ટ, બુટ સહિત એક મોબાઈલ થઈને કુલ ચાર હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. સમગ્ર મામલે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આરોપીએ અન્ય કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી છે કે નહી તેને લઈને વધુ તપાસ કરાશે.