હોસ્પીટલના કામ સિવાયના લોકો પણ વાહનો કરે છે પાર્ક
હોસ્પીટલના તંત્ર દ્વારા કડક પગલા લેવાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સિવિલ હોસ્પિટલના ૧૨૦૦ બેડ હોસ્પિટલના પાર્કિંગનો દુર ઉપયોગ થઈ રહ્યો છે. જેને અટકાવવા અટકાવવા હોસ્પિટલનું તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે. જેમા ગાડી એન્ટર થતાં જ મોબાઈલ નંબર અને ગાડી નંબર રજીસ્ટર કરવામાં આવશે. હોસ્પિટલના કેમ્પસમાં અલગ અલગ વિભાગ આવેલા છે. જેમા હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના અથવા તો દર્દીના સગા-સંબંધી આવતા હોય તો તેના વાહન પાર્ક કરવા માટે ૧૨૦૦ બેડ હોસ્પિટલના પાર્કિંગમાં ૭૦૦ વાહનો પાર્ક થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
પાર્કિંગની મોટા પ્રમાણમાં વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે. કારણ કે લોકો એમ્બ્યુલન્સ કે લોકોને આવર-જવરની જગ્યા પર વાહન પાર્કિંગ ન કરે. પરંતુ હોસ્પિટલના પાર્કિંગનો દુરુપયોગ થઈ રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું છે કે હોસ્પિટલનું બેઝમેન્ટ પાર્કિંગ મેડિસિટીમાં દાખલ થયેલા દર્દી કે તેના સગાના વાહન પાર્ક કરવા માટે બનાવ્યું છે.
જોકે તેમણે એવું પણ કહ્યું કે પાર્કિંગનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનું ધ્યાને આવતા તપાસ કરવામાં આવી છે. જેમાં ૪૦ થી વધુ ગાડીઓ છે. જે એક સપ્તાહથી વધુ સમયથી પાર્ક છે. તેના નંબર નોટ કરી સર્ક્યુલર કરવામાં આવ્યો છે. મેડિસિટીના દરેક વિભાગમાં પહોંચાડવામાં આવ્યો છે. જો દર્દીની હોય તેના સંબંધીની હોય તો જાણ કરે. ક્યારેક એવું પણ બને છે કે સિવિલ કેમ્પસની આજુબાજુ વાળા પણ પાર્ક કરી દે છે.
એવા પણ કિસ્સા સામે આવ્યા છે. જેમાં લોકો ફરવા જતા હોય ત્યારે ગાડીઓ ૧૨૦૦ બેડ હોસ્પિટલના બેઝમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરીને જતા રહે છે. પરંતુ ધૂળ ખાતી ગાડીઓને લોક કરી દેવામાં આવી છે. અને દંડ વસુલ કરીને જ ગાડીઓ આપવામાં આવશે. ૧૦ દિવસમાં ગાડી લઈ નહીં જાય તો ટ્રાફિક પોલીસને કહી ટોઇંગ કરાવી દેવામાં આવશે. જોકે હવે આ સમગ્ર મામલે પાર્કિંગનો દુરુપયોગ થતો અટકાવવા માટે પાર્કિંગમાં ગાડી એન્ટ્રી કરે ત્યારે મોબાઈલ નંબર અને ગાડીના નંબર રજીસ્ટર કરવામાં આવે છે.